મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું

- text


ડેંગ્યુ અને મચ્છરજન્ય બીમારીઓ વધી હોવાની સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં તંત્રની અક્ષમ્ય બેદરકારીના પાપે ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. ગટર ઉભરાવવાને કારણે મચ્છરોનું આક્રમણ વધતા રોગચાળાનું જોખમનું મોટું જોખમ હોવા છતાં તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાયું છે અને ડેંગ્યુ અને મચ્છરજન્ય બીમારીઓ વધી હોવાની સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગટર ઉભરાવવાની ભયકર સમસ્યા ઉદભવી છે. તંત્રના પાપે આ ગટરની સમસ્યા વકરી છે. જેમાં કાલિકા પ્લોટ વિસ્તારની શેરી નંબર 3 માં છેલ્લા આઠ માસથી ગટરના ગંદા પાણી ઉભરાઈને શેરીમાં વહે છે. શેરી ઉપરાંત લોકોના ઘરના ફળિયામાં ગટરના પાણી ભરાઈ છે. જેથી ભયકર ગંદકી ફેલાઈ છે. આથી, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

- text

આ બાબતે સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેક વખત રજુઆત કરી છે. પણ દરેક રજુઆત બેઅસર રહી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે આ વિસ્તારના રહીશોનું આરોગ્ય જોખમાયું છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય બીમારીઓ ફેલાય ગઈ છે. લોકો માંદગીમાં સપડાયા હોવાની પણ સ્થાનિકોએ રાવ કરી હતી. જેથી, ફળિયામાં ગટરના ગંદા પાણી ભરાતા અને ડેન્ગ્યુ જેવા રોગોએ પણ ઉત્પાત મચાવતા સ્થાનિકોને પારાવાર પીડાનો સામનો કરવો પડે છે. આથી, આ બાબતને અતિ ગંભીર ગણી તંત્ર વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text