ગેસના 3 મહિનાના એગ્રીમેન્ટ બાદ રૂ. 1ને બદલે 50 પૈસાનું ડિસ્કાઉન્ટ મળતા સિરામિક ઉદ્યોગપતિઓ લાલઘૂમ

- text


ગેસ કંપનીએ 3 મહિનાના એગ્રીમેન્ટ ઉપર રૂ.1ની રાહત આપવાનો કરેલો વાયદો તોડતા રોજનું રૂ.20લાખનું નુકસાન : સિરામિક એસો.એ ગેસ કંપનીના ડાયરેકટરને કરી રાવ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ એગ્રીમેન્ટને લઈને હાલ મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. 3 મહિનાના ગેસ કનેકશન ઉપર ગેસ એજન્સીએ રૂ. 1નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. જો કે તાજેતરમાં આવેલા બીલમાં સિરામિક ઉદ્યોગોને માત્ર રૂ.50 પૈસાનું જ ડિસ્કાઉન્ટ આપવામાં આવતા સિરામિક ઉદ્યોગકારો લાલઘૂમ થઈ ગયા છે. અને આ મામલે ગેસ કંપનીના એમડીને રાવ પણ કરી છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે નેચરલ ગેસ આધારિત થયો છે. જો કે શરૂઆતમાં ગેસના ખૂબ ધાંધિયા સર્જાયા હતા. બાદમાં સમય જતા ધીમેધીમે બધું બરાબર થયું હતું. ત્યારબાદ તમામ કનેકશનધારકો પાસે ગેસ કંપનીએ 3 મહિનાનો એગ્રીમેન્ટ કરાવ્યો હતો. આ 3 મહિનાના એગ્રીમેન્ટ સામે સિરામિક ઉધોગે વાંધો પણ ઉઠાવ્યો હતો. ગેસ કંપનીએ આ વેળાએ જાહેરાત પણ કરી હતી કે 3 મહિનાના ગેસ એગ્રીમેન્ટ ઉપર રૂ. 1ની છૂટ પણ આપવામાં આવશે. બાદમાં તાજેતરમાં સિરામિક ઉદ્યોગોને આવેલા ગેસબીલમાં માત્ર 50 પૈસાનું જ ડિસ્કાઉન્ટ આપવામાં આવતા સિરામિક ઉદ્યોગકારો ગેસ કંપનીથી નારાજ થયા છે.

આ મામલે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના ડાયરેકટર સંજીવ કુમારને રજુઆત કરી છે. જેમાં જણાવાયું છે કે મોરબીનો સીરામીક ઉદ્યોગ ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા નેચરલ ગેસનો ફ્યુલ તરીકે ઉપયોગ કરે છે.ત્યારે અમારા ઘણા બધા ઉદ્યોગોએ આપની કંપની સાથે ગેસ વપરાશ માટે ત્રણ મહીનાનો એગ્રીમેન્ટ કરેલ. જેમાં કંપની દ્વારા 3 મહિનાના એગ્રીમેન્ટમાં રૂ.1 સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરેલ હતુ જે લેખિતમા આપેલ પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બીલમા ફક્ત 50 પૈસાની રાહત આપવામાં આવેલ તો બાકીના 50 પૈસા જે ડિસ્કાઉન્ટ આપવાના બાકી છે તે આવતા મહિનામાં બિલમા બાદ કરી આપવામાં આવે તેવી માંગ છે.

- text

વધુમાં જણાવાયું હતું કે પ્રવર્તમાન આંતર રાષ્ટ્રીય બજારમાં મંદીના કારણે ક્રૂડના ભાવ ઘટી રહેલ છે. ત્યારે ગેસના ભાવ ઘટાડવા પણ જરૂરી છે કારણકે વૈશ્વિક બજારમા ટકવા માટે તેમની સાથે તાલ મીલાવવો જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત ગેસ દ્વારા મોરબીમા સપ્લાય થતા ગેસમાં ભાવ ઘટાડવા માટે યોગ્ય પ્રતિભાવ આપવામા આવતો નથી અને હકીકતમા આંતરરાષ્ટ્રીય માર્કેટમા ગેસ ઘણો સસ્તો છે પરંતુ તેમ છતાં વધુ ભાવ લેવામા આવે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખુબ મંદી હોવાના કારણે સીરામીક ઉદ્યોગ પણ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે કારણકે આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ ટાઇલ્સ વેચવામાં આવે તો જ હરીફાઇમા ટકી શકીએ નહીતર ફેકટરીનુ ઉત્પાદન કાપવુ પડે તેમ છે.ત્યારે આ ઉદ્યોગને બચાવવા માટે અત્યારે ગેસના ભાવમાં ઘટાડો કરવો ખુબ જરૂરી છે. હાલ ક્રુડ અને નેચરલ ગેસ બંન્નેમા ભાવ ઘટતા આજ સુધી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવ ઘટાડવા માટે કંઇ પગલા ભર્યા નથી. ત્યારે આ બાબતે તાકીદે પગલા લેવામાં આવે તેવી માંગ છે.

- text