માળીયા : ઉચાપત કેસમાં કોર્ટના ઇન્ચાર્જ રજિસ્ટ્રારના ફર્ધર રિમાન્ડ નામંજુર

- text


4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ 2 દિવસના રિમાન્ડ મંગાયા ‘ તા : પોલીસે સ્વીફ્ટ કાર કબજે કરી

મોરબી : માળીયા મી.ની કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારને કોર્ટના રૂ.2.37 લાખ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં 4 દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે આ રિમાન્ડ નામંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

માળીયા કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા યોગેશસિંહ ચૌહાણે કોર્ટમાં જુદા જુદા હેડમાં આવતી અને સરકારી તિજોરીમાં જમા કરાવવાની રોકડ રકમની ઉચાપત કર્યાની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા માળીયા પો.મથકમાં કરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લા રજિસ્ટ્રારે જ્યારે એકાઉન્ટ રેકોર્ડ તપાસ્યું ત્યારે 2.37 લાખની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી મોરબી જિલ્લા કોર્ટના રજિસ્ટ્રાર ભરતભાઇ શાંતિલાલ રાવલ દ્વારા યોગેશસિંહ હરીશસિંહ ચૌહાણ સામે માળીયા પો.મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હતા. આ 4 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીએ મે 2019માં લીધેલ સ્વીફ્ટ કાર જપ્ત કરી હતી. બાદમાં વધુ બે દિવસના રિમાન્ડ મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જો કે કોર્ટે આ રિમાન્ડ નામંજૂર કર્યા છે. જેથી પોલીસે આરોપીને જેલહવાલે કર્યો છે.

- text