ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો થનગનાટ : આમંત્રણ પાઠવવા વિશાળ રેલી નિકળી

- text


  • સરસ્વતી શિશુ મંદિર દેશનું પ્રથમ વિદ્યાલય બનશે જ્યાં ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞ શાળા અને ગૌ શાળા હશે

  • તા.2 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : 6 મુખ્ય મંદિરોથી અખંડ જ્યોત યાત્રા નીકળશે, ઘરે- ઘરે અખંડ જ્યોત અપાશે : ઉદ્યોગપતિઓ, શિક્ષકો, સેવા કાર્યકર્તાઓ, દાદા- દાદીઓના અલગ અલગ સંમેલનો, જાહેર સભા અને લોકડાયરા સહિતના ભરચક કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના શકત શનાળા ગામે સરસ્વતી શિશુ મંદિર ખાતે આગામી તા. 2 ફેબ્રુઆરીના રોજ ભારતમાતા મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવને લઈને લોકો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહાપર્વનું આમંત્રણ આપવા માટે આજે વિશાળ વાહન રેલી શહેરના વિવિધ રૂટ ઉપર ફરી હતી. અને લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ શકત શનાળા ગામે સરસ્વતી શિશુ મંદિરમાં ભારતમાતાના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ગુજરાતનું બીજું ભારતમાતાનું મંદિર છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.2 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ અંગે વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જેન્તીભાઈ રાજકોટિયા, ડો.વિજયભાઈ ગઢિયા, સુનિલભાઈ પરમાર અને દીપકભાઈ વડાલિયા સહિતનાઓએ મહોત્સવનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે તા. 29ને બુધવારના રોજ રાત્રે 9થી 11 દરમિયાન સેવા કાર્યકર્તા સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે કેન્દ્રીય ગૌ વિદ્યાપીઠના કુલપતિ ડો.શૈલેષભાઇ ભીંડે, અતિથિ તરીકે ડો.વી.સી.કાતરિયા ઉપસ્થિત રહેશે.આ પૂર્વે રાત્રે 8:45 કલાકે શૈક્ષણિક પ્રદર્શની યોજાશે.

ત્યારબાદ તા.30ના રોજ રાત્રે 9 થી 11 દરમિયાન ઉદ્યોગપતિ સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે મેરા સમર્થ ભારતના રાષ્ટ્રીય સંયોજક મનીષભાઈ મુંજલ તેમજ અતિથિ તરીકે પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા અને મહેશભાઈ જીવાણી ઉપસ્થિત રહેશે. તા.31ના રોજ રાત્રે 9થી 11 સુધી શિક્ષક સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે વિદ્યાભારતી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપજી બેતકેકર અને અતિથિ તરીકે રાજ્યના પ્રા.શિક્ષણ નિયામક ડો.એમ.આઈ.જોશી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી હાજર રહેશે. તા.31ના રોજ 3થી 6 અખંડ જ્યોત યાત્રા યોજાશે. જેમાં અંબાજી, પાવાગઢ, હર્ષદ, આશાપુરા, ચોટીલા અને શકત શનાળા આમ 6 મંદિરેથી અખંડ જ્યોત લાવીને 3 હજાર જેટલા ઘરોમાં તેને પ્રગટાવવામાં આવશે.

- text

ત્યારબાદ તા. 1ના રોજ બપોરે 3થી 5 દાદા- દાદી સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે પુરૂત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતિબેન કાટદરે અને અતિથિ તરીકે કિશોરભાઈ મૂંગલપરા તેમજ ભાવેશ્વરીબેન ઉપસ્થિત રહેશે. બાદમાં રાત્રીના 9 કલાકે પટેલ સમાજ વાડી ખાતે યોગેશદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રશ્મિકાંતભાઈ દોશી ઉપસ્થિત રહેશે. બાદમાં તા. 2ના રોજ સવારે 10 કલાકે બાવન શક્તિપીઠનું અનાવરણ કરાશે. બપોરે 11 કલાકે ભારત માતાનું પૂજન, 12:39 કલાકે મહાઆરતી, સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ દરમિયાન સાંજે 4 કલાકે જાહેર સભા પણ યોજાશે. જેમાં વક્તા તરીકે રવીકુમાર ઐયર અને ડૉ.જયંતીભાઈ ભાડેશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે આ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ મહોત્સવનો મોટી સંખ્યામાં લોકો લાભ લ્યે તેવા આશયથી જાહેર આમંત્રણ પાઠવવા માટે વાલીની સ્કૂટર રેલી તેમજ વાહન સારથી ભાઈઓની વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ રેલીએ શહેરના રાજમાર્ગો ઉપર ફરીને લોકોને આમંત્રણ પાઠવ્યુ હતું.

- text