રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે મોરબી ટાઉનહોલમાં સન્માન સમારોહ યોજાયો

- text


શ્રેષ્ઠ કામગીરી કરનાર BLO સહિત શતાયુ મતદાતાઓનું જિલ્લા કક્ષાની ઉજવણીમાં સન્માન કરાયું 

મોરબી : રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત મોરબીના ટાઉનહોલ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગ રૂપ આયોજિત આ કાર્યક્રમમાં મતદાનને લઈને કરવામાં આવતી કામગીરી સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મોરબીના ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. આ અંતર્ગત આયોજિત સમારોહમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ, ડી.ડી.ઓ. એસ.એમ. ખટાણા, ડી.વાય.એસ.પી.પઠાણ, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, ડેપ્યુટી કલેકટર મોરબી એસ.જે.ખાચર, મામલતદાર રૂપાપરા, જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવી સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચૂંટણી તેમજ સમગ્ર મતદાન પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓ, ઇઆરઓ, એરો, ડેપ્યુટી મામલતદાર તેમજ સુપરવાઇઝરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં એસ.જે.ખાચર (મતદાર નોંધણી અધિકારી, 65 વિધાનસભા મત વિભાગ અને પ્રાંત અધિકારી), ભાવનાબેન વિરોજા (66 ટંકારા વિધાનસભા મત વિભાગ), જે.સી.પટેલ (65 મોરબી વિધાનસભા મત વિભાગ), એમ.કે.રોય (66 ટંકારા વિધાનસભા મત વિભાગ), હરેશભાઇ ઝીણાભાઈ પરમાર (સુપરવાઇઝર એલ.ઇ.કોલેજ, મોરબી રૂટ નંબર 10, 65 મોરબી વિધાનસભા મત વિભાગ), આર.પી.મેરજા (સુપરવાઇઝર નેકનામ માધ્યમિક શાળા રૂટ નં 8, 66 ટંકારા વિધાનસભા મત વિભાગ), બાદી નઝરૂદીન યુ, (સુપરવાઇઝર સી.આર. સી. કો-ઓર્ડીનેટર, રૂટ નં 10, 67 વાંકાનેર વિધાનસભા મત વિભાગ), વી.જે.સાણંદીયા (બુથ લેવલ ઓફિસર નાની વાવડી પ્રા. શાળા-3, 66 ટંકારા વિધાનસભા મત વિભાગ), અનિલભાઈ બેચરભાઈ ભદ્રકીયા (બી.એલ.ઓ. રત્નમણી પ્રા. શાળા, મોટી બરાર, 65 મોરબી વિધાનસભા મત વિભાગ), શાહબુદ્દીન ગનીભાઈ બાદી (બીએલો, કાનપર પ્રા. શાળા, 67 વાંકાનેર વિધાનસભા મત વિભાગ)ને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરાયા હતા.

આ ઉપરાંત શતાયુ પૂર્ણ કરી ચૂકેલા બે વયોવૃદ્ધ વડીલ મતદાતાઓ વિજયાબેન કાનજીભાઈ ચૌહાણ ઉં.વ.104 તથા સુશીલાબેન મગનલાલ નિમાવતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમવાર નોંધાયેલા ત્રણ યુવક મતદાતા અને ત્રણ યુવતી મતદાતાઓનું સન્માન કરાયું હતું. જેમાં હસ્તીબેન સુરેશભાઈ બોપાલીયા, શ્રુતિબેન કેશવલાલ કગથરા, જાનકીબેન મહેશભાઈ કૈલા, સાવન પંકજભાઈ વાઘેલા, ભાવેશ દિનેશભાઇ ચાવડા, અમિતકુમાર મનસુખભાઈ વાઘેલાનું સન્માન મોરબી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક મોરબી દ્વારા આ છ યુવા મતદાતાઓનું સન્માન કરાયું હતું.

- text

યુવા મતદાન મહોત્સવ અંતર્ગત આયોજિત ચિત્ર સ્પર્ધાની અલગ અલગ કેટેગરીમાં પ્રથમ આવનાર ત્રણ-ત્રણ વિજેતાઓનું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા સન્માન કરાયું હતું. જેમાં સ્કૂલ કોલેજની કેટેગરીમાં અંકિતા આર સાવસાણી પ્રથમ, સોનલ જે રાઠોડ દ્વિતીય, રીના ડી ગૌસ્વામી તૃતીય જ્યારે ઓપન કેટેગરીમાં અવનીબેન શંકરભાઇ પટેલ પ્રથમ, હિમાંશુ પીયૂષભાઈ ભટ્ટ દ્વિતીય જ્યારે અનિલ ગીરીશભાઈ સોલંકી તૃતીય સ્થાને વિજેતા જાહેર થતા તેઓનું સન્માન કરાયું હતું.

ત્રણ શ્રેષ્ટ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં ટ્વીન્કલ જે સબાપરા, આરાધના ભરતભાઇ જાની અને અજય વાલજીભાઈ દલસાણીય અનુક્રમે એકથી ત્રણ નંબરે રહ્યા હતા. જ્યારે શ્રેષ્ટ ચુનાવ પાઠશાળાને પ્રમાણપત્રો એનાયત થયા હતા. જેમાં માધાપર વાડી કુમાર પ્રા. શાળા મોરબીના આચાર્ય તુષારભાઈ પ્રવીણભાઈ બોપાલિયા, રાજપર પ્રા. શાળા ટંકારાના આચાર્ય પિન્ટુભાઈ જયંતીલાલ કૈલા અને પીપળીયા રાજ પ્રા. શાળા વાંકાનેરના આચાર્ય અબ્દુલરહીમ અલીભાઈ બાવરાને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રમાણપત્ર એનાયત થયા હતા.

ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કલેકટર જે.બી.પટેલે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં લગભગ તમામ મતદાતાઓની નોંધણી પ્રક્રિયા સંપન્ન થઈ ચૂકી છે આમ છતાં જો હજુ કોઈ બાકી રહી જતા હોય તો એમની મતદાતા નોંધણી પુરી કરી લેવામાં આવશે.

આ તકે કલેકટરે જણાવ્યું હતું કે બીએલઓની કામગીરી રાષ્ટ્રીય ફરજના ભાગ રૂપે સહુએ જવાબદારી પૂર્વક નિભાવવી જોઈએ. માત્ર મતદાતા નોંધણી પ્રક્રિયા પુરી થઈ જવાથી જ એ ફરજ પુરી નથી થતી પણ મતદાન કરવા માટે વધુને વધુ લોકો આગળ આવે અને મતદાન કરવા અંગે જાગૃત થાય એવા પ્રયાસો પણ નિરંતર ચાલુ રાખવા જોઈએ. જ્યારે મતદાતાઓને અપીલ કરતા કલેકટરે જણાવ્યું હતું કે મતદાતાએ પણ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સાચો અને સારો તેમજ પ્રામાણિક નેતા ચૂંટવો જોઈએ. અંતમાં કલેકટર સહિતના અધિકારીગણે ઉપસ્થિત જન સમૂહને પવિત્ર મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

- text