મોરબી અને હળવદમાં થયેલી ત્રણ ચોરીનો ભેદ ઉકેલાયો : બે પકડાયા, છ ફરાર

- text


હળવદમાં ચોરીના ગુનાને અંજામ આપીને ઇલેક્ટ્રોનિક મોટરોના ચોરાઉ મુદ્દામાલને વેચવાની પેરવી કરતા બે શખ્સોને એલસીબીએ તમામ મુદામાલ સાથે ઝડપી લીધા : પૂછતાછમાં શખ્સોએ મોરબી તાલુકામાં પણ બે ચોરી કરી હોવાની કેફિયત આપી

હળવદ: હળવદ તાલુકાના દેવીપુર ગામે આવેલ કોટન મિલને નિશાન બનાવીને રૂ. ૧.૧૮ લાખની કિંમતની ૨૪ ઇલેક્ટ્રોનિક મોટરની ચોરી કરી ગયાની થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાઇ હતી ત્યારે એલસીબીએ આજે બાતમીના આધારે આ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.જેમાં ચોરાઉ મુદ્દામાલને વેચવાની પેરવી કરતા બે શખ્સોને તમામ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અન્ય છ શખ્સોની સંડોવણી ખુલતાં તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા ખાતે રહેતા કુલદીપ ભાઈ ચંદ્રકાંતભાઈએ થોડા દિવસો પહેલા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,હળવદ તાલુકાના દેવીપુર ગામ પાસે આવેલ તેમની માલિકીની સોમનાથ કોટન મિલમાંથી ગત તા.૨૪/૧૧થી ૨૫/૧૧ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કારખાનામાં રહેલ રૂ. ૧.૧૮ લાખની કિંમતની ૨૪ ઇલેક્ટ્રોનિક મોટર ચોરી કરી ગયા હતા.ચોરીના બનાવોને પગલે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.દરમિયાન જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવાની સૂચના આપતા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા એલસીબી સ્ટાફના ઈશ્વરભાઈ ક્લોતરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે,હળવદના દેવીપુર ગામે આવેલ કોટન મિલમાંથી ચોરી થયેલી ઇલક્ટ્રોનિક મોટરોને વેચવાની પેરવી કરતા ઈસમો મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે આવેલ લાલો ઉર્ફે હસનેન મેમણના ડેલે હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફ ત્યાં ત્રાટક્યો હતો.

- text

એલસીબીએ આ સ્થળેથી રૂ.૧.૧૮ લાખની કિંમતની ૨૪ ઇલેક્ટ્રોનિક મોટરનો કુલ ચોરાઉ મુદ્દામાલ સાથે બે આરોપીઓ હસનેન ઉર્ફે લાલો ગુલામભાઈ ખોલેરા અને લખમણભાઈ ગોવિંદભાઈ માલણીયાતને ઝડપી લીધા હતા.આ બન્ને શખ્સોની પૂછપરછમાં તેમણે હળવદ ઉપરાંત મોરબી તાલુકામાં વિસ્તારમાં બે સ્થળે મળીને કુલ ત્રણ જગ્યાએ ચોરી કરી હોવાની અને આ ચોરીના બનાવમાં અન્ય છ આરોપીઓ સલીમ ઉર્ફે સલેમાંન અલીભાઈ મિયાણા , ગુલામ કરીમ મિયાણા , જાનમામદ અલીભાઈ મિયાણા ,ઇકબાલ ઇબ્રાહિમ મિયાણા ,સલીમ ઉર્ફે બડો કચ્છી, મુકેશ દેવા કોળીની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી.આ ટોળકી બંધ જીનીગ ફેકટરીઓ ,કેનાલ ઉપર ફિટ કરેલા પંપિંગ સ્ટેશન મશીનના કેબલ વાયરો, ઇલેક્ટ્રિક મોટરો , ટીસીમાં આવતી કોપર-તાંબાની પ્લેટો ચોરી કરતા હોવાનું ખુલ્યું છે.હાલ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text