જિ.પં.ની કારોબારીમાં રોડના કામનો જશ ન મળતો હોવાનો સભ્યોનો બળાપો, વર્કઓર્ડરો મુલત્વી રાખ્યા

- text


કારોબારી સમિતિની બેઠકમાં સભ્યોએ પોતાની વ્યથા રજૂ કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી : પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નવા રોડના કામમાં હજુ વિલંબ થશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં પદાધિકારીઓએ વર્કઓર્ડરોને મુલત્વી રાખી દીધા હતા. રોડના કામ થઈ ગયા બાદ પોતાના હસ્તે તેના લોકાર્પણ ન થતા હોવાથી સભ્યોએ બળાપો ઠાલવીને વર્કઓર્ડરને મુલત્વી રાખવાનું પગલું ભર્યું હતું. આમ એક તરફ બિસ્માર રોડના પ્રશ્ને પ્રજા પીડાઇ રહી છે તો બીજી તરફ પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલનના અભાવે રોડના કામમાં બ્રેક લાગી હોવાનું બેઠકમાં જોવા મળ્યું હતું.

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી. જેમાં સભ્યોએ એકસુરમાં ફરિયાદ ઉઠાવી હતી કે માર્ગ અને મકાન વિભાગ તેને રોડ રસ્તાના કામના ટેન્ડર કે અન્ય કોઈ વિગતો આપતું નથી. તેના અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા જ નથી. રોડનું કામ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પુરૂ થાય છે તે અંગે કોઈ સભ્યને જાણ પણ થતી નથી. જો આ વિભાગ દ્વારા જાણ કરવામાં આવે તો કામ પૂર્ણ થયા બાદ જે તે વિસ્તારના સભ્યના હસ્તે તેનું લોકાર્પણ થઈ શકે. રોડ રસ્તાના કામો સભ્યો દ્વારા જ મંજુર કરવામાં આવે છે.તો સભ્યોને આ રોડ રસ્તાના લોકાર્પણનો જશ અવશ્યપણે મળવો જોઈએ તેવી માંગ ઉઠાવી હતી.

હાલ એક તરફ લોકો ઝડપથી રોડ બને તેની આશ લઈને બેઠા છે. જ્યારે બીજી તરફ અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાથી રોડ નિર્માણના કામને બ્રેક લાગી ગઈ છે. વધુમાં આ કારોબારી બેઠકમાં ખાનપર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું રીપેરીંગ કામ રૂ. 2.5લાખના ખર્ચે અને જેતપર પશુ દવાખાનાના રીપેરીંગ તથા કંપાઉન્ડ વોલનું રૂ. 9.28 લાખનું કામ મંજુર કર્યું હતું. સાથે રાપર ભડિયાદ ગ્રામ પંચાયત બિલ્ડીંગના રીપેર કામના ટેન્ડરની સ્વીકૃતિ કરવામાં આવી હતી.

- text

આ સાથે જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગમાં રૂ. 8.58 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવા, હિસાબી શાખા માટે નવી ખુરશી લેવા તેમજ પંચાયત, બાંધકામ, મહેકમ, હિસાબી શાખા માટે કમ્પ્યુટરની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત માટે એડવોકેટ પેનલની ભલામણ પણ કરાઈ હતી અને જિલ્લા પંચાયતના બિલ્ડીંગમા સ્વંભંડોળ અને લોકફાળામાંથી ચિત્રો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉપરાંત વાંકાનેર અને હળવદ તાલુકાની 13 ગ્રામપંચાયતોના રીપેર કામના મુદત વધારાને મંજૂરી પણ અપાઈ હતી.

- text