પોલીસ દળની હકારાત્મક છબી પ્રસ્થાપિત કરનાર ટંકારાના પોલીસકર્મીને પ્રશંસા પત્ર એનાયત

- text


ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ પૃથ્વીરાજસિંહ જાડેજાનું કર્યું સન્માન 

ટંકારા : ગત ઓગસ્ટ 2019ના રોજ ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ ઉભી થઇ હતી. ત્યારે ટંકારાના એક પોલીસકર્મીએ પોતાના જીવનના જોખમે બે બાળાઓને પોતાના ખભે બેસાડીને પુરના પાણીમાંથી હેમખેમ ઉગારી હતી. પોલીસકર્મીની ફરજ પ્રત્યેની આ નિષ્ઠાને બિરદાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડાએ એ પોલીસકર્મીને પ્રશંસાપત્ર આપી તેમનું યથોચિત સન્માન કર્યું હતું. ટંકારા પો.મથકમાં અનાર્મ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ ગત 10 ઓગસ્ટ 2019ના રોજ પુરમાં ફસાયેલી શ્રમિક પરિવારની બે બાળાઓને પોતાના ખભે ઉંચકીને સહી સલામત પુરમાંથી ઉગારી હોવાના ફોટા અને વિડીઓ પ્રિન્ટ, ઇલેક્ટ્રિક તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધ થયા હતા. આ સમાચારથી પોલીસ બેડાની હકારાત્મક છબી ઉપસી હતી અને પોલીસ તંત્રમાં હંમેશા રહેલી માનવતાની ભાવના ઉજાગર થઈ હતી. હિંમતવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું આ માનવીય કાર્ય ઠેર ઠેરથી આવકારાયું હતું. ત્યારે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તેઓને પ્રશંસાપત્ર આપી તાજેતરમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાળાઓને બચાવતા પૃથ્વીરાજસિંહના આ ફોટામાં ગૃહ વિભાગે એક સ્લોગન પ્રસિદ્ધ કર્યું છે જેમાં “સુવાસ સુરક્ષા અને સંવેદનાની” ટેગ લાઈન સાથે અમારા ખભે આપની સુરક્ષાની વાતને ઉજાગર કરવામાં આવી છે.

- text