મોરબીના વાવડી રોડ ઉપર એપાર્ટમેન્ટમાં આગ : એકનું મોત

- text


ફાયર બ્રિગેડની બે ગાડી ઘટના સ્થળે પહોંચ્યા બાદ બંધ પડી ગઈ, ત્રીજી ગાડી આવી પણ ત્યાં તો આધેડે જીવ ગુમાવી દીધો

મોરબી : મોરબીના વાવડી ઉપર આજે વહેલી સવારે એક આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં દાઝી જવાથી એક આધેડનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પાલિકાના સભ્યએ ફાયર બ્રિગેડમાં સાધનોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી આધેડનો જીવ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રપ્ત થતી વિગત અનુસાર મોરબીના વાવડી રોડ પર રાધાપાર્ક એપાર્ટમેન્ટમા આજે વહેલી સવારે 6 વાગ્યે બીજા માળે આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગને બુઝાવી હતી. પરંતુ આ દરમિયાન દાઝીને અશોકભાઈ વલ્લભભાઈ ભગીરથ ઉ.વ.55 નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય રહ્યું છે. જો કે આ એપાર્ટમેન્ટમાં મૃતક અને તેમના પત્ની બન્ને હતા પણ તેમના પત્નીને બચાવી લેવામાં આવ્યા હતા.

- text

આ બનાવ અંગે પાલિકાના સભ્ય ભરતભાઇ જારીયાએ જણાવ્યું હતું કે તેઓએ પોતાએ ફાયર બ્રિગેડે જઈને વારા ફરતે ત્રણ વાહનો રવાના કરાવ્યા હતા. બે વાહનો ઘટના સ્થળે પહોંચીને બંધ થઈ ગયા હતા. જેના કારણે ફાયર બ્રિગેડને બચાવ કામગીરી કરવામાં ખૂબ મોડું થયું હતું. ત્યાં અંદર રહેલા વ્યક્તિનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું. આવડો મોટો જિલ્લો છે છતાં ફાયરમાં પૂરતા વાહનોની સગવડ ન હોય જે દુઃખદ કહી શકાય. તંત્રએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જરૂરી અને યોગ્ય સાધનો પુરા પાડવા જોઈએ.

- text