શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પાણી શુદ્ધિનો પ્રેરક પ્રયોગ સફળ

ત્રાંબાના વાસણોમાં પાણી સંગ્રહ અને એવા પાણીના પીવામાં ઉપયોગથી ઘણી બીમારીઓને જોજનો દૂર રાખી શકાય છે

મોરબી : શુદ્ધ હવા અને પાણી પૃથ્વી પર વસતા દરેક જીવન માટે આવશ્યક જરૂરિયાત છે. હવાની અશુદ્ધિ જેમ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઉભો કરે છે તેવી જ રીતે આજે વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં પીવાના શુદ્ધ પાણીના સ્રોતો સીમિત થઈ રહ્યા છે. ઉપલબદ્ધ પાણી પણ શહેરોમાં શુદ્ધ સ્વરૂપે મળતું નથી ત્યારે મોરબીની શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પાણીને શુદ્ધ કરવા માટે એક પ્રાથમિક કહી શકાય એવો પણ મહત્વનો પ્રયોગ સફળતા પૂર્વક કરવામાં આવ્યો હતો. આ કોલેજની વિશાળ પ્રયોગશાળામાં વિવિધ પ્રયોગો દ્વારા સાયન્સ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. પ્રિન્સિપાલ આરતી રાંકજા અને અધ્યાપકોની હાજરીમાં ગઈકાલે પરફોર્મ કરેલા માઈક્રોબાયોલોજીના એક પ્રેકટીકલનું અદભુત પરિણામ મળ્યું હતું. અલગ અલગ જાતના નુકશાનકારક બેક્ટેરિયાનો નાશ કરવા અથવા તેના વિકાસને અટકાવવા માટે એન્ટિબાયોટિક તરીકે કંઈ કંઈ ધાતુ અસરકારક છે તે જાણવાનો આ પ્રેક્ટિકલ પ્રયોગ સફળ રહ્યો હતો.

આપણે સહુ જાણીયે જ છીએ કે ત્રાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. એ વિષય પર કરેલો પ્રયોગ કોલેજની લેબ.માં પ્રેકટિકલી સાબિત થયો હતો. હાલ ચલણમાં રહેલો 5 રૂપિયાનો ચલણી સિક્કો ( કે જેમાં ૭૦% ત્રાંબુ,૨૦% ઝીંક, ૫% નિકલ ધાતુ છે) તથા પ્યોર ત્રાંબાની ફોઈલ લઈ બન્ને પર પ્રેકટીકલ કરતા ફોટોમાં બતાવ્યા મુજબ તેની આજુ બાજુમાં રહેલા બેકટેરિયાનો નાશ થયો હતો. પ્રયોગમાં ઉપયોગમાં એવા બેક્ટેરિયા પર સંશોધન કરાયું હતું કે જે બેક્ટેરિયાને કારણે આપણને મોટાભાગે ગળાનું ઇન્ફેકશન, ન્યુમોનિયા, માથામાં દુખાવો, ચામડીના ઘણા રોગો તથા ફૂડ પોઇઝનિંગ થતું હોય છે. આવા બેક્ટેરિયા આજુબાજુની હવા, પાણી, માટીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આમ પ્રેક્ટિકલ કરીને ત્રાંબાના વાસણમાં પાણી સંઘરવાથી કે પીવાથી આવા નુકશાનકારક બેક્ટેરિયા દ્વારા થતા રોગોથી બચી શકાય છે.