મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં વાલી સંમેલન યોજાયું

મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારીયાના અધ્યક્ષ સ્થાનેથી કોલેજમાં ચાલતી સામુદાયિક સેવા ધારા દ્વારા એક વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. આ વાલી સંમેલનમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી કેતનભાઇ દફ્તરી, દેવાંગભાઈ દોશી તથા પ્રતિનિધિ તરીકે સંજયભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તથા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાર્થના બાદ સામુદાયિક સેવા ધારાના કો-ઓર્ડીનેટર પ્રોફેસર જે. એમ. કાથડ દ્વારા ઉપસ્થિત અતિથિ વિશેષ અને વાલીઓનું શબ્દોથી સ્વાગત કરીને કોલેજ વતી મીઠો આવકાર આપવામાં આવ્યો હતો તેમજ સર્વે અતિથિઓનું સુતરની આંટી પહેરાવીને કોલેજ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચસ્થ અધ્યક્ષ અને અતિથિઓને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019-20 દરમિયાન કોલેજમાં થયેલ પ્રવૃત્તિઓ તથા ઈતર પ્રવૃત્તિઓ તેમજ NSS અને NCCની પ્રવૃતિઓ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સાથોસાથ વર્ષ દરમિયાન આવતા તહેવારોની કોલેજ દ્વારા ઉજવણી કરવામાં આવેલ, તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ સ્લાઈડ શો દ્વારા દેખાડવા અને સમજાવવાનું પ્રાસંગિક ઉદબોધન કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના કરદેજ અધ્યક્ષ પ્રોફેસર કે. આર. દંગી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી કેતનભાઇ દફતરી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું. જેમાં તેમણે પોતાના અભ્યાસ દરમિયાનના સાયન્સ કોલેજના સ્મરણોને યાદ કરી કોલેજની પુષ્કળ પ્રવૃત્તિઓ પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત સંજયભાઈ ઝાલાએ અભ્યાસકાળનું જીવનમાં મહત્વ સમજાવતા નિષ્ઠા અને નીતિની અનિવાર્યતા પણ સમજાવી હતી.

આ તકે અધ્યક્ષ સ્થાનેથી કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાએ હર્ષ વ્યક્ત કરતા વાલીઓને આવકાર અને કોલેજમાં અભ્યાસ સાથે થતી સેવાકિય પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિ વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું કે યુવા અવસ્થામાં કઠોર પરિશ્રમથી જ સફળતા અને સુખ પ્રાપ્ત થાય છે. કાર્યક્રમના અંતે સર્વે સ્ટાફ દ્વારા ઉપસ્થિત અતિથિઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક આભારદર્શન પ્રોફેસર ગીતાબેન ડાભી દ્વારા કરવામાં આવેલ હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નલીન જોશી દ્વારા કરવામાં આવેલ હતું.