મોરબી સિરામિકના ઓથા હેઠળ દુબઇ મોકલાતા 4.82 કરોડના ચંદન સાથે મુન્દ્રાથી સ્મગલર ઝડપાયો

- text


77 વર્ષીય સ્મગલર ભુતકાળમાં પણ દાણચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે : ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબી : પ્રતિબંધિત લાલચંદનની કચ્છના મુન્દ્રા તેમ જ કંડલા પોર્ટ દ્વારા થઈ રહેલી દાણચોરીનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે. દક્ષિણના રાજયોમાંથી અનેક ચેકપોસ્ટ વટાવીને ગુજરાત આવ્યા બાદ દાણચોરો દ્વારા લાલચંદન કચ્છના કંડલા તથા મુન્દ્રા બંદરોથી દુબઈ મોકલાય છે. ત્યારે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ 2012 અને 2018માં સિરામિકની આડમાં મુન્દ્રા બંદરેથી ગેરકાયદેસર રીતે અખાતી દેશમાં મોકલાયેલાં કરોડોના લાલ ચંદનના ચકચારી બનાવોમાં અત્યાર સુધી ઓઝલ રહેલા મુખ્ય સૂત્રધારની DRIએ ધરપકડ કરી છે. ગાંધીધામની ખાસ કૉર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં ધકેલી દીધો છે. દરમિયાન, મુંદરામાં વધુ એકવાર આશરે 4.82 કરોડના લાલ ચંદનનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ચર્ચાઓ ઉઠી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિદેશ નિકાસ થતી મોરબીની સીરામીક ટાઇલ્સની સાથે કન્ટેનરમાં લાલચંદન મોકલવાના લાંબા સમયથી ચાલતા ષડયંત્રનું પગેરું શોધીને ડીઆરઆઈએ મોરબીના એક બહુનામધારી શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની પૂછપરછ કરી ડીઆરઆઈએ મુન્દ્રા બંદરેથી દિપક શાંતિલાલ કોટક, જીઓબાથ સેનેટરી, મોરબી દ્વારા દુબઈ મોકલાઈ રહેલ ૪ કરોડ ૮૨ લાખની કિંમતનું લાલચંદન જપ્ત કર્યું છે.

હાલમાં DRIએ મોરબીમાંથી 77 વર્ષિય દિપક શાંતિલાલ કોટક નામના શખ્સની ધરપકડ કરી હતી. DRIએ દિપક કોટકની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી ત્યારે શરૂઆતમાં તેણે પોતાનું નામ દ્વિજેન્દ્ર શિરીષ માણેક હોવાનું અને પોતે ન્યૂ અજય હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી, નાલાસોપારા ઈસ્ટ, વસઈ, થાણેનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પરંતુ, વિશિષ્ટ પૂછતાછમાં તેણે કબૂલી લીધું હતું કે તે પોતે જ દિપક કોટક ઊર્ફે દ્વિજેન્દ્ર માણેક ઊર્ફે વિનોદ શાહ છે. પોતાનું અસલી નામ દ્વિજેન્દ્ર માણેક હોવાનો દાવો કરતાં આ ‘મિસ્ટર નટવરલાલ’એ કબૂલ્યું છે કે, 2018માં દિપક કોટકના નામે સિરામિકના બે કન્ટેઈનરમાં મુંદરાથી દુબઈ અને વિયેતનામમાં લાલ ચંદનનો જથ્થો ગેરકાયદે નિકાસ કરવાનો કારસો ઘડ્યો હોવાનું કબૂલ્યું છે. 2012માં તેણે વિનોદ શાહ નામ ધારણ કરી લાલ ચંદનને એક્સપોર્ટ કરવા ષડયંત્ર રચેલું જેને DRIએ નિષ્ફળ બનાવેલું હતું.

- text

આરોપી પોતાના નામને અનુરૂપ ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ વગેરે જેવા બોગસ આધારો પણ ઉભાં કરી લેતો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓને તે દુબઈમાં પોતાના ભત્રીજાની સિરામિકની કંપની હોવાનું જણાવી માલની જરૂર હોવાનું કહી સિરામિક પેઢીના નામે માલ એક્સપોર્ટ કરવાના દસ્તાવેજો તૈયાર કરતો. તેની ગેંગમાં ટ્રાન્સપોર્ટરોનું નેટવર્ક પણ સામેલ છે. તેની ગેંગ કન્ટેઈનરના સીલ તોડી તેમાં સિફતપૂર્વક લાલ ચંદનનો માલ ભરી દેતો. આરોપીએ અત્યારસુધીમાં આ રીતે 1 કરોડથી વધુ કિંમતનું લાલ ચંદન એક્સપોર્ટ કરી દીધું હોવાની DRIને આશંકા છે.

DRIએ કસ્ટમ એક્ટ 1962ની કલમ 132, 135 (1) (a) (b) (c) અને 104 (6) (b) (c) હેઠળ તેની ધરપકડ કરી છે. કસ્ટમ અને DRIના કેસ લડવા નિયુક્ત થયેલાં ખાસ સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ આરોપીની મોડસ ઓપરેન્ડી, હિસ્ટ્રી, પૂરાવા અને ગંભીર કલમોને અનુલક્ષીને તેણે કરેલો ગુનો બીનજામીનપાત્ર હોવાની દલીલ કરી હતી. કૉર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં ધકેલી દીધો છે. જો કે, ઝડપાયેલા આરોપી સાથે અન્ય લોકો સહીત મોટી ગેંગ પણ સક્રિય હોઈ શકે છે. દુબઈની પેઢી કે જ્યાં લાલચંદન મોકલવાનું હતું તેની તપાસ તેમજ ભૂતકાળના કિસ્સાઓની તપાસ પણ નવી ચકચાર સર્જી શકે છે.

- text