આલાપ રોડ પર વોકળો બુરી દેવા મામલે આપની આગેવાનીમાં સ્થાનિકોની રોષપૂર્ણ રેલી

રાજકીય ઓથ હેઠળ વોકળા ઉપર દબાણ કર્યાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન : પાલિકા તંત્રને આવેદનપત્ર આપી દબાણો દૂર ન થાય તો 20 મીએ ઉપવાસ આંદોલનનું એલાન

મોરબી : મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર આલાપ સોસાયટી પાસે આવેલ વોકળા ઉપર રાજકીય ઓથ હેઠળ દબાણો કરી વોકળો બુરી દેવા મામલે આમ આદમી પાર્ટીએ સ્થાનિકોને સાથે રાખીને બાઇક રેલી કાઢીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આલાપ સોસાયટી પાસેના વોકળા ઉપર દબાણો દૂર ન થાય તો 20 મીએ ઉપવાસ આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.

મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર આલાપ સોસાયટી પાસે આવેલ વોકળા ઉપર રાજકીય ઓથ હેઠળ દબાણો કરી વોકળો બુરી દેવા મામલે આજે આમ આદમી પાર્ટીના હોદેદારોની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા રોષપૂર્ણ બાઇક રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સ્થાનિક લોકોએ તેમના વિસ્તારમાં વોકળા ઉપર થયેલા ગેરકાયદે દબાણો અંગે બેનરો દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં આ રેલી મોરબી પાલિકા કચેરીએ પહોંચીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે આલાપ સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટેના પૌરાણિક વોકળા ઉપર રાજકીય ઓથ હેઠળ દબાણો કરીને બુરી દેવામાં આવ્યો હતો. આ વોકળો બુરી દેવાથી અહીંના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવવાની મોટી મુસીબત સર્જાઈ છે.

રાજાશાહી વખતના 50 ફૂટ પહોળા અને 7 ફૂટ ઉંડા વોકળા રાજકીય ઓથ હેઠળ બીજાને લાભ આપવા ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેથી, વોકળો બુરાઈ જવાથી વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ સર્જાયો છે. ગત ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની મોટી સમસ્યા સર્જાય હતી. જો કે આ બાબતે આલાપ સોસાયટીના પ્રમુખ બાબુભાઇ સરડવાએ અનેક વખત તંત્રને રજુઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરાઈ નથી ત્યારે વોકળા પરના દબાણો દૂર નહિ થાય તો આ વિસ્તારમાં ભવિષ્યમાં ચોમાસામાં પાણીની મોટી સમસ્યા સર્જાય તેવા એંધાણ વ્યક્ત કરાયા છે. ત્યારે આજે આ મામલે આપની આગેવાનીમાં સ્થાનિકોએ પાલિકા તંત્રને આવેદનપત્ર આપી જો વોકળાને દબાણ મુક્ત ન કરાય તો 20 મીથી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.