મોરબીના ખાખરેચી ગામની 21 વર્ષીય ક્ષત્રિય દીકરી ચેન્નાઇમાં દીક્ષા અંગીકાર કરશે

- text


10 વર્ષની આયુથી જ જૈન ધર્મની લગની લાગી : દરરોજ દેરાસરે જવા લાગ્યા બાદ પ્રથમ તો પરિવાર ચિંતાતુર થયો, બાદમાં સમગ્ર કુટુંબે રાજીખુશીથી મંજૂરી આપતા 1 ફેબ્રુઆરીએ પૂ. તીર્થભદ્ર સ્વામીના મુખેથી દીક્ષા ગ્રહણ કરશે

મોરબી : મોરબીના ખાખરેચી ગામના ક્ષત્રિય સમાજના દીકરી આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઇ ખાતે દીક્ષા અંગીકાર કરવાના છે. જે અંતર્ગત આ દીકરીનો ગામમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કુટુંબીજનો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ખાખરેચી ગામના રહેવાસી છાયાબા બાબુભા રાઠોડ 10 વર્ષના હતા ત્યારથી જ જૈન ધર્મ પ્રત્યે ભારે રુચિ ધરાવતા હતા. તેઓની હાલ ઉંમર 21 વર્ષ છે. તેમને બે મોટા બહેન છે જે વિવાહિત છે. બે ભાઈ છે જેમાંથી એક ભાઈ તેમનાથી નાનો છે. છાયાબા અજંતા કલોકમાં નોકરી પણ કરતા હતા. દરરોજ સવારે 5 વાગ્યે દેરાસરમાં જવાનો તેઓનો નિત્યક્રમ હતો.

જૈન ધર્મ પ્રત્યેના વધતા જતા લગાવથી શરૂઆતમાં તેમના પરિવારમાં ચિંતા જોવા મળી રહી હતી.છાયાબાએ 10 વર્ષની ઉમરથી જ નવકાર મંત્ર કંથ્યસ્થ કરી લીધો હતો. તેઓએ 40 દિવસનું તપ પણ કર્યું છે. ધીમે ધીમે પરિવાર પણ તેમને સમજતો ગયો અને અંતે દોઢ વર્ષ પૂર્વે પરિવારે તેમને દિક્ષાની મંજૂરી આપી દીધી હતી. જેથી તેઓ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈ ખાતે પૂ. તીર્થભદ્ર મ.સાના સ્વમુખેથી દિક્ષામંત્ર ગ્રહણ કરવાના છે.

જો કે ગઈકાલે ખાખરેચી ખાતે તેમનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છાયાબાને 19મીએ મળવા માટે બોલાવ્યા છે. જેથી 19મીએ તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા જવાના છે.

- text

- text