શક્તિનગર ગામના યુવાનોએ અનોખા સેવા કાર્ય દ્વારા મકરસંક્રાતિની ઉજવણી કરી

- text


હળવદ : હળવદના શક્તિનગર ગામના સેવાભાવી યુવાનોએ હળવદ યાર્ડ પાસે ઘણા સમયથી માનસિક રીતે બીમાર અને ગંભીર રીતે ઘાયલ અજાણ્યા વ્યક્તિને સ્નાન કરાવી, વાળ કપાવી, શેવિંગ કરાવી, સ્વચ્છ કપડાં પહેરાવી, ભોજન કરાવી તેમજ સારવાર સેવા કરી સમાજને અનોખી રાહ ચીંધી હતી.

હળવદના માર્કેટિંગ યાર્ડ પાસે છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે બીમાર અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ રહેતા હતા. જેની હાલત અસ્ત-વ્યસ્ત હતી અને બંને પગમાં ગંભીર ઇજાઓ હોવાના કારણે તેઓ ખૂબ જ પીડા ભોગવી રહ્યા હતા ત્યારે ગઈકાલે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર હોવાથી મોટાભાગના લોકો આ તહેવાર મોજ-શોખથી માણી રહ્યા હતા ત્યારે આ વાતની જાણ શક્તિનગર ગામના યુવાનોને થતા વિજય ભરવાડ, અજિતભાઈ, દાજીભાઈ, વિજયભાઈ રજપૂત, જયદીપભાઈ, જયંતીભાઈ, ભૂરાભાઈ, મુનાભાઈ, ઘનશ્યામભાઈ સહિત યુવાનોએ માનવ સેવાનું ઉમદા કાર્ય કરી કંઈક અલગ જ પ્રકારે ઉત્સવની ઉજવણી કરી હતી.

આ સેવાભાવી યુવાનોએ અજાણ્યા ઘાયલ પીડિત પાસે રૂબરૂ જઈ પછી તેને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી, તેના વાળ કપાવી, દાઢી કરાવી, સ્વચ્છ કપડાં પહેરાવી અને સાત્વિક ભોજન પણ કરાવ્યું હતું. ત્યારબાદ બંને પગમાં ગંભીર ઇજા જોવા મળતા હળવદના સેવાભાવી ભાવેશભાઈ ઠક્કર અને તપન દવેને જાણ કરતા તેઓ પણ તુરંત પાર્થ હોસ્પિટલ ખાતે આવી પહોંચેલ અને ત્યાં હાજર હળવદના સેવાભાવી તબીબ ડૉ. મિલનભાઈ માલમપરાએ પ્રાથમિક સારવાર નિઃશુલ્ક આપેલ હતી. ડોક્ટરએ પીડિતને વધુ સારવારની જરૂર હોય તેમ જણાવતા મોરબી સ્થિત યદુનંદન ગૌશાળા, જે આ પ્રકારના વ્યક્તિઓની વિશેષ સેવા સારવાર આપતી હોય, તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવાનોએ પોતાના પ્રાઇવેટ વાહનમાં ત્યાં રૂબરૂ પીડિતને મુકવા માટે ગયેલ હતા.

- text

આમ, ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને સાર્થક કરી શક્તિનગરના યુવાનોએ અનોખા સેવા કાર્ય દ્વારા મકરસંક્રાતિ પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text