મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ચાલુ રહે તે જોવાની જવાબદારી તંત્રની : બ્રિજેશ મેરજા

ઝૂલતા પુલને હેરિટેજની શ્રેણીમાં મુકવા રાજ્ય સરકાર નિર્ણય કરે તેવી લોક લાગણીનો પડઘો પાડતા ધારાસભ્ય મેરજા :

મોરબી : મોરબીની વિશિષ્ટ ઓળખ એવો ઝૂલતો પુલ હાલ જીર્ણશીરણ અવસ્થામાં જાણે તેના આયુષ્યના અંતિમ પડાવ પર પહોંચી ગયો હોય એમ આવનારી 26 જાન્યુઆરીથી પુલ બંધ કરવાની વાતો સામે આવતા શહેરીજનોમાં આઘાત વ્યાપી ગયો છે. ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

મોરબીના રાજવીઓએ બે કાંઠે વસેલા લોકોની સુગમતા માટે એ સમયે અદ્વિતીય ગણાતો ઝૂલતો પુલ બનાવ્યો હતો. શહેરીજનો ઉપરાંત બહારથી આવતા લોકો પણ એ સમયની ઉત્કૃષ્ટ ટેકનોલોજીનો આહલાદક અનુભવ માણવા આ પૂલ પર આવતા જતા અને રોમાંચ અનુભવતા. આગળ જતાં આ પૂલ મોરબીની ઓળખ સમો બની રહ્યો છે. ત્યારે હવે આટલા વર્ષોના વહાણા વાઈ ગયા બાદ આ પૂલને પણ ઉંમરની અસર વર્તાઈ રહી છે. મોટી જાળવણીના અભાવે પૂલ ખખડી ગયો છે. વર્ષો સુધી ઓરેવા ટ્રસ્ટ દ્વારા આ પુલની જાળવણી કરવામાં આવી રહી હતી. પ્રજાહિતમાં ઓરેવા ટ્રસ્ટે આ પૂલની દેખભાળ કરી હતી. અલબત્ત પૂલની ખસ્તા હાલતને સુધારવા માટે મોટા પાયે સમારકામની જરૂરિયાત વર્તાતા ટ્રસ્ટે સરકારને વારંવાર રજુઆત કરી હતી. જેનો સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા 25 જાન્યુઆરી બાદ ઓરેવા ટ્રસ્ટ દ્વારા પૂલ જવાબદારી ચાલુ ન રાખવાનું સામે આવતા તંત્રએ પૂલ બંધ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય તરીકે તેઓને મળતી ગ્રાન્ટમાંથી જરૂરી રકમ ફાળવવાની તૈયારી દર્શાવવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેઓને યોગ્ય પ્રતિસાદ ન મળતા મેરજાએ આ બાબતને કમનસીબ ગણાવી છે.

ભૂકંપ, પુર હોનારત, અતિવૃષ્ટિ જેવી ઘણી કુદરતી આપદાઓને સહન કરી ચુકેલો તથા મોરબીના ફિનિક્સ પક્ષી જેવા મિજાજનો સાક્ષી ઝૂલતો પૂલ તંત્રની લાપરવાહી અને નિરસતા સામે હારી ગયો હોય તેવો વસવસો મોરબીવાસીઓ અનુભવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે રાજ્ય સરકાર કેવા પગલાં ભરે છે.