હળવદમાં વર્ષો જુના વેપારી મહામંડળ સંગઠનમાં સત્તાની હુંસાતુસીમાં બે ભાગલા પડ્યા

- text


હળવદ : શહેરમાં વર્ષોથી વેપારી મહામંડળ સંગઠન ચાલી રહ્યું હતું. જે વેપારીઓના પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન કરવા-કરાવવામાં સહાયકરૂપ સાબિત થતું. જો કે પાછલા સમયથી આ સંગઠનમાં સત્તાની સાઠમારી ઉભી થતા હાલ તો વેપારી મહામંડળ સંગઠનમાં બે ભાગલા પડી ગયા છે.

આ સંગઠનમાં ઉચ્ચ હોદ્દા મેળવવા માટે અંદરોઅંદરની ખેંચતાણને કારણે ચાર-પાંચ વેપારીઓએ વેપારીઓ વચ્ચે ભાગલા પડાવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી બનવા માટે થઈ રહેલા લોબિંગને કારણે વેપારીઓમાં જ નવા સંગઠનને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે.

હળવદ શહેરમાં પાછલા ઘણા સમયથી “હળવદ વેપારી મહામંડળ સંગઠન” બનાવવામાં આવ્યું છે, પરંતુ હળવદના ચાર-પાંચ વેપારીઓએ પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રી બનવાની લાહ્યમાં વેપારીઓ વચ્ચે જ અસંતોષ ઉભો કરી નવુ સંગઠન ઉભુ કર્યાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ હળવદ શહેર વેપારી મહામંડળને કોરાણે મૂકી શહેરના ચાર-પાંચ વેપારીઓએ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી બનવાની લાહ્યમાં વર્ષોથી ચાલતા સંગઠનમાં ભાગલા પાડી નવું વેપારીઓનું સંગઠન બનાવવામાં આવ્યું છે. જોકે આ સંગઠનથી શહેરના મોટા ભાગના વેપારીઓ નાખુશ જણાઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે નવા બનાવેલા સંગઠનને લઈ શહેરના બે વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગઈકાલે જ ચાર-પાંચ વેપારી દ્વારા પોતે મોટા ગજાના વેપારી હોય અને હોદા મેળવવાની લાલચે વેપારી મિત્રોમા ભાગલા પડાવી નવું સંગઠન જાહેર કર્યું છે. જોકે આ સંગઠનમાં શહેરના ૧૨૦૦ જેટલાં વેપારીઓમાંથી માત્ર ૨૦૦થી ૨૫૦ વેપારીઓ જ જોડાયા હતા.

- text

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હાલ જે ચાર પાંચ વેપારીઓ નવા બનેલા સંગઠનમાં હોદ્દેદાર બન્યા છે તેઓ અગાઉ વેપારી મહામંડળમાં પણ હતા. પરંતુ વેપારીઓને જરૂર પડ્યે સહાય ન કરતા હોવાનો ગણગણાટ થતો હતો. જોકે હાલ તો શહેરના વેપારી વર્તુળોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે અંગત સ્વાર્થ ખાતર વેપારીઓમાં ભાગલા પાડવા કેટલા યોગ્ય છે? વર્ષોથી ચાલતા વેપારી મહામંડળમાં એક પણ રૂપિયો ફી વેપારી પાસેથી લેવામાં આવતી નથી. જ્યારે કેહેવાતા નવા સંગઠનમાં સભ્ય ફી ૨૦૦ રૂપિયા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે 200 રૂપિયાની આ ફિ દર મહિને આપવાની છે કે વર્ષે એ બાબતે પણ વેપારીઓમાં દ્વિધા પ્રવર્તી રહી છે.

- text