માત્ર આજ નહીં પણ રોજ ઉજવીએ ‘ભારતીય સેના દિવસ’

 

(જાગૃતિ તન્ના)

धूप हो या छाँव, बारिश हो या बर्फ,
उनको इनसे कुछ नहीं पडता फर्क,
उनके लिए सबसे पहले उनका फर्ज
मानकर देशसेवा को अपना कर्म-धर्म,
भारतमाता का हर रोज़ चुकाते कर्ज,
देश के उन वीरों पर पूरे देश को है गर्व।      🖊जानकी

આજે 15 જાન્યુઆરી એટલે આપણા દેશની આન, બાન અને શાન એવા ભારત માતાના વીર લાલ એવા સૈનિકોને સમર્પિત, ‘ભારતીય સેના દિવસ.’ આ દિવસ સ્વતંત્ર ભારતના પહેલા આર્મી ચીફ જનરલ કોડંડેરા મડપ્પા કરિઅપ્પાના સન્માનમાં ઉજવવામાં આવે છે. તેમણે દેશ માટે અનેક ઉલ્લેખનીય કાર્યો કર્યા છે. તેમને 15 જાન્યુઆરી, 1949ના રોજ ભારતીય સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માટે છેલ્લા 71 વર્ષથી દર વર્ષે 15 જાન્યુઆરીને ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજે 15 જાન્યુઆરી, 2020 ના રોજ 72 મો ભારતીય સેના દિવસ ઉજવાઈ રહ્યો છે.

આપણે દરેક આજે આપણા પરિવાર સાથે ખુશીથી રહી શકીએ છીએ. આપણને મનગમતી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. સ્વતંત્રતાથી ભયમુક્ત જીવન જીવી શકીએ છીએ એનું સૌથી મોટું ક્રેડીટ દેશની બોર્ડર પર રાત – દિવસ આપણી રક્ષા કરતા ભારત માતાના વીર સપૂત સૈનિકોને જાય છે કેમ કે તેઓ આપણા દેશનું એક એવું વ્યક્તિત્વ છે, જેના થકી દેશના દરેક વ્યકિતનું અસ્તિત્વ સલામત છે, તેમનું કામ પરોક્ષ રીતે દરેક વ્યકિતના વ્યકિતત્વ વિકાસ પાછળ કામ કરે છે. આજે આપણે આપણી જિંદગીમાં જે કંઈપણ સફળતા મેળવી શક્યા છીએ  એમાં એમનો બહુ મોટો ફાળો છે. તેઓ છે, તો આપણે છીએ.
આપણી દરેક રાતની ભયમુક્ત નિંદર પાછળ તેમની દરેક રાતની સજાગ નિંદર રહેલી છે.

સૈનિક બનવા માટે માત્ર લોખંડી શરીર નહીં પણ વિશાળ હ્રદય જોઈએ. બીજાની ખુશીઓ માટે પોતાની ખુશીઓની કુરબાની આપવા માટે કાળજામાં દેશ પ્રેમ અને બલિદાનની અખંડ પ્રગટતી જ્યોત જોઈએ.

આપણા દરેકની દરેક ક્ષણ ઈશ્વર, માતા પિતા બાદ જો કોઈની ઋણી છે તો એ આપણા દેશના વીર સૈનિકો છે અને એ સૈનિકોના પરિવાર છે. આપણે દરેક આમ તો તેમનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી, પરંતુ આપણે દરેક ભલે એમના માટે બીજું કંઈ ન કરી શકીએ પણ આજે ભારતીય સૈનિક દિવસ પર એક સંકલ્પ કરીએ કે આજથી દરરોજ ભારતમાતાના રક્ષકોની રક્ષા કાજે ઈશ્વરને પ્રાર્થના કરીશું. જેઓ દરરોજ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ઘર – પરિવારથી દૂર રહીને આપણા દરેકના જીવનું રક્ષણ કરે છે, એમના જીવની રક્ષા માટે આપણે  ઘેર બેઠા દરરોજ પ્રાર્થના તો કરી જ શકીએ ને. તો ચાલો એક નવી પહેલ કરીએ આપણી દરેક પળ રક્ષા કરતા સૈનિકો માટે
માત્ર એક દિવસ સેના દિવસ તરીકે ઉજવવાને બદલે દરરોજ તેમના માટે  પ્રાર્થના કરીને દરરોજ સેના દિવસ ઉજવીએ.

જયહિંદ 🇮🇳🇮🇳 જયભારત

દેશના દરેક સૈનિકને વંદન સહ સમર્પિત મારી એક પીરામીડ કવિતા :

સૈનિક
રક્ષક સૈનિક
બહાદુર સૈનિક
દેશનું ગૌરવ સૈનિક
બલિદાન પ્રતિક સૈનિક
દરેક માનું અભિમાન સૈનિક
ભારતમાતાના સાચા લાલ સૈનિક
વાસ્તવિક જગતના સાચા હીરો સૈનિક
જેમના ઋણી દરેક જીવનો શ્વાસ તે સૈનિક
ઘર-પરિવારનો ત્યાગ કરતા સાચા સાધુ સૈનિક
જેમને આભારી આપણી સ્વતંત્ર જિંદગી તે સૈનિક
જેમના કારણે આપણી જિંદગી હસતી રમતી તે સૈનિક
જેમના અસ્તિત્વ થકી છે દરેકનું અસ્તિત્વ ઉજળું તે સૈનિક
દેશને માટે પોતાનું રક્ત વહાવતા સાચા રક્તદાતા સૈનિક
છેલ્લા શ્વાસ સુધી લડત આપતા લડવૈયાઓ સૈનિક
સામી છાતીએ ઘા સહેનારા સાચા શુરવીર સૈનિક
સ્વજીવ હારીને પણ દેશને જીતાડનાર સૈનિક
આપણી પ્રાર્થનાના પ્રથમ હકદાર સૈનિક
સન્માન ને સલામના હકદાર સૈનિક
દુશ્મનોનો સંહાર કરતા સૈનિક
શહાદતને વહોરતા સૈનિક
સાચા દેશપ્રેમી સૈનિક
સદા અમર સૈનિક
નિડર સૈનિક
સૈનિક

– જાગૃતિ તન્ના “જાનકી”