મોરબીની પી. જી. પટેલ કોલેજ દ્વારા નિ:સહાય બાળકો અને વિધવાઓ માટે બે લાખનું દાન એકત્ર કરાયું

મોરબી : ભણતરની સાથે સંસ્કારો પીરસતી મોરબીની પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા દર સંક્રાતના દિવસે નિ:સહાય બાળકો તથા ગંગાસ્વરૂપ બહેનો માટે દાનની અપીલ કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ સવારે 8થી 10 મોરબીના જુદા-જુદા વિસ્તારોમાં જઇ અને ફક્ત બે જ કલાકમાં રૂ. 2,01,000નું દાન એકત્ર કરેલ હતું.

આ કાર્યમાં સમાજસેવામાં અગ્રેસર એવા ધરતીબેન બરાસરા પણ જોડાયા હતા.તેમજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આર.એસ.એસ.ના સ્વયંસેવકો પણ હોંશભેર જોડાયા હતા. ઉપરાંત, સોશીયલ મીડીયા દ્વારા પણ ઘણા લોકોએ દાનની રકમ લખાવી ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ દાનની સંપૂર્ણ રકમનો ઉપયોગ વર્ષ દરમ્યાન નિ:સહાય બાળકો તથા ગંગાસ્વરૂપ બહેનોની મદદ માટે કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ કોલેજના વિદ્યાર્થીઓને કોલેજમાં આવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર સિંચવાનું કાર્ય છેલ્લા 15 વર્ષથી સતત કરે છે.