હડમતિયામાં અબોલ પશુ-પક્ષીઓને ઘાસચારો તેમજ ચણ નાખી મકરસંક્રાતિની ઉજવણી

જય અલખઘણી નેજાધારી રામામંડળ દ્વારા મકરસંક્રાંતિએ દાનપુણ્યના મહત્વને સાથર્ક કરાયું

ટંકારા : હડમતિયાના જય અલખઘણી નેજાધારી રામામંડળ દ્વારા મકરસંક્રાતિ પર્વે નિમિતે અબોલ પશુ-પક્ષીઅોને ઘાસચારો તેમજ ચણ નાખી અનોખી ઉજવણી કરી મકરસંક્રાંતિએ દાનપુણ્યના મહત્વને સાથર્ક કરાયું હતું.જેમાં પશુઅોને ૧૨૫ મણ લીલો ઘાસચારો, શ્વાનોને લાડવા-ગાંઠીયા, પક્ષીઅોને ચણ નાખીને જય અલખઘણી નેજાધારી મંડળના યુવાનોએ માનવતાનુ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

હડમતિયામાં ઘાર્મિક જય અલખઘણી નેજાધારી રામામંડળના યુવાનો દ્વારા મકરસંક્રાતિની આગલી રાત્રે રામદેવપીરના જીવન ચરિત્ર પર આખ્યાન ભજવી ગામમાં ફાળો અેકત્ર કરી ઉતરાયણની વહેલી સવારે રખડતી રઝળતી ગાયો, ગૌવંશ તેમજ અન્ય પશુઅોને ૧૦ હજારનો ૧૨૫ મણ લીલો ઘાસચારો, ૧૫૦૦ થી ૨૦૦૦ રુપિયાના શ્વાનોને લાડવા-ગાંઠીયા તેમજ પક્ષીઅોને ૨ મણ જેવા ચોખા-બાજરો નાખી પુણ્યના અંતરનો અોડકાર આ જય અલખધણી નેજાધારી રામામંડળના યુવાનોઅે ખાધો હતો તેમજ અબોલ જીવોના આશિષ પ્રાપ્ત કરી પ્રશંસનિય સેવાકિય પ્રવૃતિ કરી હતી. વાસી ઉતરાયણે પણ બચેલ રકમનું પુણ્યદાન પણ આવી જ રીતે કરશું તેવું મંડળના આયોજકોઅે જણાવ્યું હતું.