માળિયા પાસે ‘જયેશભાઇ જોરદાર’ મુવીનું શુટીંગ : રણવીરસિંઘને જોવા માટે લોકો ઉમટ્યા

બમન ઈરાની તેમજ શાલિની પાંડે સહિતની સ્ટારકાસ્ટની ઉપસ્થિતિ : સ્થાનિકોને પણ શુટીંગમાં આવરી લેવાયા

મોરબી : બોલિવુડે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના અનેક લોકેશનોને ઉપયોગમાં લીધા છે. તેવામાં વધુ એક વખત માળિયામાં બોલિવૂડ મુવી જયેશભાઈ જોરદારનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ માટે બોલીવુડના પ્રખ્યાત એકટર રણવીરસિંઘ અને બમન ઈરાની તેમજ શાલિની પાંડે સહિતની સ્ટારકાસ્ટ અહીં આવી પહોંચી હતી.

યશરાજ બેનરની ફિલ્મ જયેશભાઇ જોરદારનું હાલ શુટીંગ ચાલી રહ્યું છે. જેના ડિરેકટર દિવ્યાંગ ઠક્કર છે અને નિર્માતા મનીષ શર્મા છે. આ મૂવીમાં સ્ટારકાસ્ટ રણવીરસિંઘ, શાલિની પાંડે, અપારશક્તિ ખુરાના અને બમન ઈરાની છે. ફિલ્મમાં રણવીરસિંઘ જયેશભાઇ નામના એક ગુજ્જુનું પાત્ર ભજવે છે. જેથી ફિલ્મમાં ગુજરાતના લોકેશનો પણ લેવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં માળિયા તાલુકાના સુરજબારી પુલ પાસે આવેલ દેવ સોલ્ટ કારખાના નજીકનું લોકેશન પણ લેવામાં આવ્યું છે. માટે અહીં આ ફિલ્મની સ્ટાર કાસ્ટ શુટીંગ માટે આવી પહોંચી હતી. શુટીંગ વેળાએ ફિલ્મસ્ટાર રણવીરસિંઘ, બમન ઇરાની અને શાલિની પાંડેને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સવારના આઠ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધી ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યુ હતુ.

શુટીંગમાં છકડો રીક્ષા, જેસીબી વિગેરે વાહનોને ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિક 60થી 70 જેટલા યુવાનોને શૂટિંગમાં લેવામાં આવ્યા હતા. તેઓને એક દિવસનું 400 રૂપિયા વેતન પણ ચુકવવામાં આવ્યુ હતુ. રણવીરસિંઘ એટલે કે જયેશભાઇની કારનો અકસ્માત સર્જાયો હોય તે પ્રકારના સીનનું શુટીંગ કરવામાં આવ્યુ હતું. આ શૂટિંગના કારણે હાઇવે ઉપર થોડો ટ્રાફિક જામ પણ થયો હતો.