સિરામિક અને અજંતાથી વિશ્વવિખ્યાત થયેલા મોરબીમાં જન્મનાર યુવાનો ખૂબ નસીબદાર : રિઝવાન આડતીયા

- text


મોરબી યુવા જ્ઞાનોત્સવના બીજા સેશનમાં દૂરદર્શનના આસી.ડાયરેક્ટર ઉત્સવ પરમાર, મોટીવેશનલ સ્પીકર રિઝવાન આડતીયાનું વક્તવ્ય અને આશુ પટેલનો ટોક શો માણતા નગરજનો

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવના બીજા સેશનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ દૂરદર્શનના આસી.ડાયરેક્ટર ઉત્સવ પરમાર, મોટીવેશનલ સ્પીકર રિઝવાન આડતીયાનું વક્તવ્ય અને આશુ પટેલનો ટોક શો માણ્યો હતો. આ વેળાએ લોકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણ્યા હતા.

સૌ પ્રથમ વિનય કરાટે એકેડમીના બાળકોએ કરાટેમા કરતબો રજૂ કર્યા હતા. બાદમાં ઉમા વિદ્યા સંકુલના બાળકોએ મહિલાઓની સાંપ્રત સમસ્યાને વર્ણવતી કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ દૂરદર્શનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમારે આજના સમયમાં બંધારણનું મહત્વ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજે કોઈ પણ ખાદ્ય વસ્તુનું પેકેટ ખરીદીને ખાઇએ છીએ. આ વસ્તુ કોણે બનાવી છે અને કેવી રીતે બનાવી છે તે જાણ્યા વગર જ આપણે ખાઈએ છીએ. જે બંધારણને આભારી છે. સમૂહ શક્તિને આધારે ગામડાઓ બનતા ગયા, શહેર બનતા ગયા અને આજે માણસ વૈશ્વિક બની ગયો છે. જે નિયમોને આધીન છે. આપણું બંધારણ તે પુરુષાર્થનું પરિણામ છે. ગીતામાં અર્જુને કૃષ્ણને સવાલ પૂછે છે તેવું જણાવાયું છે. અર્જુન સામાન્ય માણસ છે. જ્યારે કૃષ્ણ મહાસતા છે. આમ ગીતામાં દર્શાવાયું છે કે સામાન્ય માણસ પણ મહાસતાને સવાલ પૂછે છે જે લોકશાહીની નિશાની છે.

વૈશ્વિક કક્ષાએ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રિઝવાન આડતીયાએ જીવનમાં સફળ કેમ થવું તે વિષય ઉપરના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 33 વર્ષથી આફ્રિકામાં રહું છું. પણ મારૂ દિલ ભારતમાં છે. હું પોરબંદરમા ગરીબ પરિવારમાં જન્મ્યો હતો. કપરા સંજોગોમાં પણ મને મળતા પગારમાંથી હું સેવાકાર્ય કરતો હતો. આ સેવાકાર્યએ જ મારૂ ભવિષ્ય બનાવ્યું અને મને એક સફળ બિઝનેસમેન બનાવ્યો. કુદરતના બંધારણને અમલમા ઉતારીએ તો જરૂર સફળ થવાય છે. આજે 80 ટકા લોકોને અનિંદ્રાની સમસ્યા છે. આ લોકો સુતા પહેલા પોતાના કપાળ ઉપર હાથ રાખીને હું શાંત છું એવું બોલે તો તેમની અનિંદ્રાની સમસ્યા દૂર થઈ જશે.વધુમાં રિઝવાન આડતીયાએ મોરબી વિશે કહ્યું કે તમે મોરબીમાં જન્મ્યા એટલે ખૂબ નસીબદાર છો. કારણકે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને અજંતાની કલોકે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે. આવી જ રીતે ધૂમ મચાવવાનું સામર્થ્ય મોરબીમાં જન્મેલા દરેક યુવાનો ધરાવે છે. જ્યારે હું 1986માં કોંગોમાં એક શોપમાં નોકરી કરતો હતો ત્યારે ગ્રાહકો અજંતાની ક્લોક માંગતા ત્યારે ખૂબ ગર્વ થતો.

- text

અંતે યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત યોજાયેલી તમામ ગ્રુપની વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયુ હતું. જેમાં ઓપન એઈઝ ગ્રુપમાં પ્રથમ વિધિ જાની, દ્વિતીય જાગૃતિ તન્ના, તૃતીય ધારા દવે, 15 વર્ષથી નીચેમાં પ્રથમ વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી, દ્વિતીય પ્રાચી નવીનભાઈ ભેંસદડીયા, તૃતીય પટેલ યશરાજ કલ્પેશભાઈ અને કોટક હરિકૃષ્ણ હિતેશભાઇ, 15 વર્ષથી ઉપરમાં પ્રથમ માધવી ટી.ખાંભલા, દ્વિતીય પૂજા નવીનભાઈ ભેંસદડીયા અને તૃતીય મયૂર એચ.વાઘેલાનું મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અનેક ઉભરતા વક્તાઓએ સ્ટેજ પણ ગજાવ્યું હતું.

- text