વાંકાનેર : વનવિભાગની ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ : સાત ફિરકીઓ કબ્જે

- text


ઉત્તરાયણ સંદભે ફોરેસ્ટર વિભાગે છાત્રો સાથે જનજાગૃતિ રેલી કાઢી બાદમાં બજારોમાં ચેકિંગ હાથ ધર્યુ

વાંકાનેર : વાંકાનેર ફોરેસ્ટર વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વના સંદર્ભે આજે જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. જેમાં અમરસિંહજી હાઈસ્કુલના બાળકોએ જોડાઈને વિવિધ બેનરો દર્શાવી ચાઈનીઝ દોરીઓ પક્ષીઓ માટે જોખમી હોય એ દોરીનો વપરાશ ન કરીને પક્ષીઓને બચાવવાનો વિશાળ જન સમુદાયને મેસેજ આપ્યો હતો. બાદમાં ફોરેસ્ટ વિભાગે વાંકાનેરની બજારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સાત જેટલી ચાઈનીઝ દોરીઓ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.વાંકાનેરના ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉત્તરાયણ તહેવાર પર ચાઈનીઝની કાતિલ દોરીથી પક્ષીઓના જીવનની ડોર કપાઈ જતી હોય લોકો આવી કાતિલ દોરીઓનો ઉપયોગ ન કરીને પક્ષીઓને બચાવે તેવા શુભસંદેશ સાથે જનજાગૃતિ લાવવાના હેતુસર વાંકાનેરની અમરસિંહજી સ્કૂલના વિધાર્થીઓ સાથે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેરની બજારો અને મુખ્ય વિસ્તારમાં ફરી હતી. જેમાં વિધાર્થીઓએ વિવિધ બેનરો દર્શાવીને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના અતિરેકમાં પક્ષીઓને હાની ન પહોંચે તેની ખાસ કાળજી રાખવા અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. બાદમાં ફોરેસ્ટ વિભાગે ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર તવાઈ ઉતારી હતી જેમાં વાંકાનેરની બજારોમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું અને 7 જેટલી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફિરકીઓ કબ્જે કરીને વેપારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી વાંકાનેર ફોરેસ્ટ ઓફિસર સી.વી.સાણજા ની દેખરેખ માં વનવિભાગનો સ્ટાફ જોડાયો હતો.

- text