ટંકારાની લતીપર ચોકડીએ ધૂળિયા ડાયવર્ઝનની સમસ્યા હજુ પણ વણઉકેલ

- text


સ્થાનીકોએ આપેલા ત્રણ દિવસના અલ્ટીમેટમની કોઈ અસર નહીં

ટંકારા : રાજકોટ-મોરબી રોડને કચ્છ તથા જામનગરને જોડતા નેશનલ હાઈવે પર ફોરલેનની કામગીરી દરિમયાન લતીપર ચોકડી નજીક વાહન ચાલકોને પારાવાર મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગને ફોરલેન કરવા માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રેક્ટ અપાયો છે. આમ છતાં ટંકારા- લતીપર ચોકડીએ ઓવરબ્રિજ બનાવવાના અણધડ આયોજનને લઈને વાહન ચાલકો અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બન્યા છે. ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન કોન્ટ્રાક્ટમાં જે-તે સ્થળે પાક્કુ ડાયવરઝન આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. જેનું સખ્તાઈથી પાલન કરવું આવશ્યક હોવા છતાં ઉક્ત સ્થળે કોન્ટ્રાકટર દ્વારા ડાયવરઝનની પ્રોપર વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી હજારો વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજથી પાંચ દિવસ પહેલા સ્થાનિકો દ્વારા પાક્કું ડાયવરઝન બનાવવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેને પાંચ દિવસ વીતી જવા છતાં આ સમસ્યાનો ઉકેલ ન આવવાથી સ્થાનિકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કામચલાઉ રીતે બનાવેલા કાચા તેમજ અણઘડ ડાયવર્ઝનને કારણે વાહનો ચાલવાથી સતત ધૂળની ડમરીઓ ઉઠતી રહે છે. વળી રહેણાંક વિસ્તાર અને સ્થાનિક સોસાયટીઓમાંથી વાહનો ચલાવવામાં આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માતનો ભય સતત મંડરાતો રહેવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત ઊડતી ધૂળની રજકણોના કારણે વાતાવરણ પ્રદુષિત થતા લોકો શરદી ઉધરસનો ભોગ બની રહ્યા છે. શાળાએ જતા બાળકો અને વાલીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

- text

જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ટંકારા ખાતે થવાની છે ત્યારે સંકલન સમિતિમા કોન્ટ્રેક્ટના કર્મચારીઓને બધા વચ્ચે પ્રાંત અધિકારીએ આડેહાથ લઈ ત્રણ દિવસમા ડાયવર્જનની વૈકલ્પિક વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો પરંતુ પોતાનુ ધાર્યું કરવાની માનસિકતા રાખતા કોન્ટ્રાક્ટરોએ આજે પાંચ દીવસ બાદ પણ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. દબાણ હેઠળનો જે વિસ્તાર છે તેને સ્થાનિકો પોતાની જાતે દુર કરે એવો આગ્રહ રાખવામાં આવ્યો છે જે કોઈ કાળે હાલની પરિસ્થિતિ જોતા શક્ય જણાતું નથી.

ટંકારાની એમ.પી.દોશી વિધાલયના ધો 1થી 12 સુધી અભ્યાસ કરતા હજારો બાળકો સાથે રોડની આજુબાજુના રહીશો અને દુકાનદારો ધુળની ડમરીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ અંગે રોડ વિભાગના અધિકારીઓ સાથે વાત કરતા સાત દિવસમાં ડામરનું પાક્કુ ડાયવર્જન બની જશેનો જૂનો રાગ આલાપ્યો છે ત્યારે હવે જોવુ રહ્યું કે રોડના કોન્ટ્રાક્ટર કેટલા દિવસોમાં સ્થાનિકો તેમજ વાહન ચાલકોની સમસ્યાનું નિરાકરણ લાવે છે?

- text