મોરબી જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે પોલીસની ક્વિક રીસ્પોન્સ ટીમ કાર્યરત

- text


સોશ્યલ મીડિયા પર કિવક રિસ્પોન્સ ટીમની બાજ નજર રહેશે : રાત્રી દરમિયાન કામ સબબ નીકળેલી મહિલાઓ મુશ્કેલીમાં ફસાઈ તો તેમને પીસીઆર વાનની તાત્કાલિક મદદ મળશે

મોરબી : મોરબીમાં દિનપ્રતિદિન નાના મોટા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સંવેદનશીલ અને ગંભીર બનાવમાં તાત્કાલિક રિસ્પોન્સ આપવા માટે પોલીસ ખાતા અંતર્ગત ક્વિક રીસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આ ટીમને કાર્યરત કરવામાં આવી છે.જોકે ગંભીર ગુનાઓ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ આ ટીમની બાજનજર રહેશે તેમજ રાત્રી દરમિયાન કામ સબબ નીકળેલી મહિલાઓ મુશ્કેલીમાં ફસાઈ તો તેમને પીસીઆર વાનની તાત્કાલિક મદદ મળશે.

મોરબીમાં ક્રાઇમને અંકુશમાં લાવવા માટે સ્થાનિક પોલીસ તેમજ જીલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની બ્રાન્ચો સક્રિય છે. તેના ઉપરાંત હવે જિલ્લા પોલીસ વડા દ્વારા નવી ક્વીક રીસ્પોન્સ ટીમની તૈનાત કરવામાં આવી છે અને આ ટીમમાં 2 પી.એસ.આઇ. અને 12 કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ દ્વારા સેન્સેટિવ અને ગંભીર બનાવનો ઉકેલ તાત્કાલિક લાવવામાં આવશે. તેમજ આ ટીમ દ્વારા સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે.સોસીયલ મીડિયા પર અભદ્ર કે વાંધાજનક પોસ્ટ, ફોટો, વીડિયો વાયરલ કરી બ્લેકમેઈલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આવા કૃત્યોને તાત્કાલિક નાથવા માટે ક્વિક રીસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી પંથકમાં ચોરી, લૂંટફાટ, મારામારી, ગંભીર અકસ્માત કે છેતરપિંડી જેવા બનાવોને ધ્યાનમાં લઈ તાત્કાલિક નિરાકરણ માટે ક્વિક રીસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે.

- text

આ ક્વિક રીસ્પોન્સ ટીમ 24 કલાક કામગીરી કરે છે.જેમાં બે ટીમ હોય છે.એક ટીમમાં એક પીએસઆઇ અને છ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.આ સ્ટાફને કમાન્ડોની સઘન તાલીમ આપવામાં આવી છે.અને ગમે ત્યારે કોઈપણ બનાવમાં મદદરૂપ થવા કે , આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય છે.આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં આઠ પીસીઆર વાનને ખાસ સૂચના આપી છે કે,મહિલાઓને કોઈપણ બનાવોમાં સુરક્ષા આપવી ખાસ કરીને મહિલાઓ રાત્રી દરમિયાન કામ માટે એકલી નીકળતી હોય ત્યારે કોઈપણ જાતની મુશ્કેલીઓમાં ફસાઈ હોય ત્યારે આ ટીમે તત્કાલિક જઈને મદદ પુરી પાડવી અને સુરક્ષિત રીતે એ મહિલાઓને ઘરે પહોંચડાવાની તાકીદ કરી છે.ત્યારે રાત્રી દરમિયાન એકલી નીકળેલી મહિલાઓ મુશ્કેલીમાં હોય તો તેમણે તુરંત જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનના નંબર પર જાણ કરવાની અપીલ કરી છે.

- text