મોરબીના રોડ- રસ્તા અને સફાઈ પ્રશ્ને એકસાથે 18 અગ્રણ્ય સંસ્થાઓની મુખ્યમંત્રીને રજુઆત

- text


ખરાબ રોડના કારણે વાહનચાલકોને પડતી હાલાકી, ધૂળની ઊડતી ડમરીઓ, ઉભરાતી ગટરો અને ગંદકીના ગંજથી શહેરીજનો ત્રસ્ત : ઐતિહાસિક રજુઆતથી તંત્ર સક્રિય થશે કે નહીં તે જોવું રહ્યું

મોરબી : મોરબીમાં રોડ- રસ્તા અને સફાઈ પ્રશ્ને તંત્રનું નાક વાઢી વાઢીને નગરજનો થાક્યા છે. છતાં કોઈ પરિણામ મળ્યા નથી. ત્યારે આજે મોરબીની અગ્રણ્ય 18 જેટલી સંસ્થાઓએ એકસાથે રોડ રસ્તા અને સફાઈના પ્રશ્ને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા હતા. જો કે અગાઉ પણ અનેક આવેદનો આપવામાં આવ્યા છે. ત્યારે આ આવેદનને તંત્ર ગણકારે છે કે નહીં તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા મોરબી શહેરના ખરાબ રોડ-રસ્તા રીપેરીંગ કરવા તથા નવા બનાવવા તેમજ શહેરમાં જરૂરી સાફ-સફાઈ કરવા બાબતે તા. 17/10/2019 અને 30/12/2019ના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આજે લાલપર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ એસોસિએશન, મોરબી બાર એસોસિએશન, મોરબી રેવેન્યુ બાર એસોસિએશન, મોરબી ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીસ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મોરબી જિલ્લા બિલ્ડરર્સ એસોસિએશન, પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, પાટીદાર એજ્યુકેશનલ & ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી સીરામીક ટ્રેડર્સ એસોસિએશન, ક્રાંતિકારી સેના, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબી સીરામીક એસોસિએશન, માતૃભૂમિ વંદન ટ્રસ્ટ, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, ટીમ વિઝન, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મળીને 18 જેટલી પ્રમુખ સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચોમાસા બાદ મોરબીમાં ઘણા બધા રસ્તાઓ તૂટી ગયેલ છે. જેનું રીપેરીંગ થયેલ નથી. તેમજ નવા રોડ હજુ સુધી બનાવેલ નથી. જેના લીધે નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. રોડ-રસ્તાઓમાં અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયેલ અને તૂટી ગયેલ છે. અવારનવાર ધૂળની ડમરીના હિસાબે મોરબીના નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થવાનો ભય રહે છે. તેમજ તેના ઊડતી ડમરીઓના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે.

- text

આ ઉપરાંત, આવેદનપત્રમાં જણાવેલ હતું કે સરકારે નક્કી કરેલ વેરો લોકો ભરે છે. તેની સામે ગ્રામ પંચાયત, નગરપાલિકા, P.W.D. દ્વારા રોડ-રસ્તા જરૂરી હોય ત્યાં યોગ્ય રીતે અને સમયસર રીપેર થતા નથી કે નવા બનતા નથી. એ પણ એટલી જ કડવી માનસિકતા છે. વધુમાં પાલિકા સબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે એપ્લિકેશન કાર્યરત છે. જેમાં ફરિયાદો કરવા છતાં પણ ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.

આમ આજે એક સાથે શહેરની પ્રમુખ ગણાતી એવી 18 જેટલી સંસ્થાઓએ એકસાથે મળીને શહેરીજનો વતી મોરબીના સૌથી વિકટ એવા રોડ- રસ્તા અને સફાઈના પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરી છે. હવે આ રજૂઆતને અગાઉની જેમ જ તંત્ર નકારી કાઢશે કે કોઈ પગલાં લેશે તે આવનાર સમયમાં જ ખબર પડી જશે.

- text