દિઘડીયામાં રાત્રે દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હોવાની ચર્ચા

- text


એકાદ અઠવાડિયાથી દીપડો હળવદ વિસ્તારમાં આંટા ફેરા કરી રહ્યો હોવાના સગડ

હળવદ : છેલ્લા એકાદ અઠવાડિયાથી દીપડો હળવદમાં આવ્યો હોવાના સગડો દેખાઈ રહ્યા છે પરંતુ વન વિભાગની મહેનત બાદ પણ દીપડો પાંજરે નહીં પુરાતા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. તેવામાં ગઈકાલે રાત્રીના દીઘડિયા ગામના પાદરમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે જ અહીં દિપડાના સગડ પણ દેખાયાનું જાણવા મળી રહ્યું છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે દિપડાના સગડ દેખાયા બાદ ઘનશ્યામપુર, પલાસણ અને દીઘડીયા સહિતના ગામોમાં દીપડો આંટાફેરા કરતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘનશ્યામપુરમાં દીપડો આવ્યો હોવાના પગલે વનવિભાગ દ્વારા ત્યાં પાંજરૂ મૂકવામાં આવ્યું હતું પરંતુ બીજા દિવસે દીપડો દિઘડિયામાં દેખાયો હોવાને પગલે વનવિભાગ દ્વારા ઘનશ્યામપુરથી પાંજરૂ લઈને દિઘડીયા ગામે મૂકવામાં આવ્યું છે ત્યારે ગતરાત્રીના દીઘડિયા ગામના પાદરમાં એક વાછરડાનું દીપડાએ મારણ કર્યુ હોવાનું ગામ લોકોમાં ચર્ચા થઇ રહી છે. તેમજ જે જગ્યા પર વાછરડાનું મારણ કરવામાં આવ્યુ છે ત્યાં દિપડાના સગડ પણ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text

હાલ તો અઠવાડિયાથી વનવિભાગ દીપડાને પકડવા ઊંધા માથે કામે લાગ્યું છે તેમ છતાં પણ દીપડો પાંજરે પુરાતો નથી. જેને કારણે પંથકના લોકોમાં ફફડાટની સાથે ભયનો માહોલ ફેલાયો છે. સાથે જ લોકો જણાવી રહ્યાં છે કે દીપડાની દહેશતને પગલે રાત્રિના વાડીમાં પાણી વાળવા જતા ખેત મજુરો ડરી રહ્યા છે. જેથી, વનવિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પાંજરે પૂરે તે જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી દરરોજ સવાર પડતાની સાથે જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સગડ અને દીપડાએ મારણ કર્યુ હોવાના ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

- text