સિરામિક ઉદ્યોગો માટે વ્યાજ સહાય જેવી યોજનાઓ જાહેર કરવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિરામિક સેકરના ઉદ્યોગો માટે વ્યાજ સહાય જેવી યોજનાઓ જાહેર કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં હાલમાં અંદાજે ૧૧૫૦ સિરામિક તેમજ તેને લગત આનુસંગિક ઉદ્યોગો કાર્યરત છે. જે પૈકી અંદાજે ૪૦૦ થી ૪૫૦ જેટલા મોટા કદના ઉદ્યોગો આવેલા છે. જેના થકી અંદાજે ૫ લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પ્રાપ્ત થાય છે. આ મોટા કદના ઉદ્યોગો પૈકી છેલ્લા ૩ વર્ષમાં ૨૫૦ જેટલા ઉદ્યોગો દ્વારા રાજ્ય સરકારશ્રીની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગતની “Scheme for Incentive to Industries” ને ધ્યાને લઇ અંદાજે ૧૭૫૦૦.૦૦ કરોડનું મૂડીરોકાણ કરેલ છે. જે ઉદ્યોગો દ્વારા વિશ્વના ૧૮૬ દેશોમાં ૫૫૨૬.૬૮ કરોડનું એક્ષ્પોર્ટ કરવામાં આવે છે અને અંદાજે ૧ લાખ જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થયેલ છે.

હાલમા વૈશ્વિક મંદી અને વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ Anti-Dumping Duty ને લીધે મોરબી જિલ્લાના મોટા કદના સિરામિક ઉદ્યોગો મંદીના ભરડામાં સપડાઇ ગયેલ છે. જે ધ્યાને લઇ, સિરામિક સેકટરના ઉદ્યોગો માટે ઉપરોક્ત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગતની “Scheme for Incentive to Industries” માં ૨ % વ્યાજ સહાય તથા પાવર ટેરીફ જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેતો, હાલના તબક્કે મંદીના ભરડામાં સપડાઇ ગયેલ સિરામિક ઉદ્યોગોને પુન: વેગવંતો કરી શકાય.

ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ, આપના દ્વારા સિરામિક ઉદ્યોગો માટે વ્યાજ સહાય તથા પાવર ટેરીફ જેવી યોજનાઓ સત્વરે જાહેર કરવામાં આવે તેવી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.