મોરબી : મહેસુલી કર્મચારીઓની હડતાલ સમેટાઈ

સરકારે તમામ માંગણી 60 દિવસમાં સ્વીકારી આપવાની બાહેંધરી આપતા લડતનો સુખદ અંત

મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં મહેસુલી કર્મચારીઓની ચાલી રહેલી હડતાલ સમેટાઈ છે. મહેસુલી કર્મચારીઓની તમામ માંગણી ઉકેલવાની બાહેંધરી આપવામાં આવતા આ હડતાલ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા સહિત રાજ્યભરના 10 હજારથી વધુ મહેસુલી કર્મચારીઓ છેલ્લા 8 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આજે મહેસુલી કર્મચારી મહામંડળન હોદેદારોની સરકાર સાથેની મંત્રણા સફળ નીવડી હતી. સરકારે મહેસુલી કર્મચારીઓની તમામ માંગણી 60 દિવસમાં સ્વીકારી આપવાની બાહેંધરી આપતા મહામંડળે હડતાલ સમેટી લીધી છે.

ઉલ્લેખનીય છે કે મહેસુલી કર્મચારીઓની છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી હડતાલને પગલે મોરબી જિલ્લામાં વહીવટી કામો ઠપ્પ થઈ ગયા હતા. અરજદારો પણ રઝળી પડ્યા હતા. ત્યારે આ હડતાલનો આજે અંત આવતા અરજદારોએ પણ હાશકારો અનુભવ્યો છે.