મોરબીની અવની ચોકડી પાસે આખલા યુદ્ધથી ભારે ધમાસાણ

બે ખુટિયાઓએ જાહેર રોડને અખાડો બનાવીને દંગલ મચાવતા વાહન ચાલકો ભારે ભયભીત

મોરબી : મોરબીની અવની ચોકડી પર આજે આખલા યુદ્ધથી ભારે ઘમાસાણ સર્જાયું હતું. બે ખુટિયાઓએ જાહેર રોડને અખાડો બનાવીને દંગલ મચાવતા વાહન ચાલકો ભારે ભયભીત બન્યા હતા. જો કે પાલિકા તંત્રની ઢોર પકડ ઝુંબેશનું સુરસુરીયું થઈ જતા ફરી જાહેર માર્ગો પર આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે. મોરબીના રવાપર રોડ પર કેનાલ ચોકડી પર આવેલી અવની ચોકડી પાસે આજે અચાનક બે ખૂટીયો ભૂરાટા થયા હતા અને બન્ને ખુટિયાઓએ સામસામા શીંગડા ભરાવીને જાહેર રોડને યુદ્ધનું રણ મેદાન બનાવી દીધું હતું. બન્ને ખુટિયાઓએ ભારે દંગલ સાથે આંતક મચાવ્યો હતો. આ આખલાઓના દંગલથી જાહેર રોડ ઉપર ભારે અફડાતફડી મચી ગઇ હતી અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં આખલા યુદ્ધથી ભારે ધમાસણ સજાયું હતું. જો કે પાલિકા તંત્રની ઢોર પકડ ઝુંબેશ નિષ્ફળ જતા ફરી જાહેર રોડ આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે. મોરબી શહેરમાં લાંબા સમયથી રઝળતા ઢોરના ત્રાસની સળગતો પ્રશ્ન છે. તેમાંય અગાઉ પાલિકા તંત્રએ માત્ર એક બે દિવસ સુધી ઢોર પકડની કાર્યવાહી કર્યા બાદ પાણીમાં બેસી જતા શહેરીજનોને રઝળતા ઢોરનો ત્રાસ સહન કર્યા વગર છૂટકો જ નથી.