મોરબીમાં ખેલ મહાકુંભના વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવાના કાર્યક્રમમાં ધાંધીયા

- text


વિજેતા મોટાભાગના વિદ્યાર્થીઓ ગેરહાજર : અમુક વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ જ ન બન્યા : પ્રમાણપત્રમાં મોટી ભૂલો થઈ હોવાની રાવ : 2795 વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભના 2795 વિજેતા વિધાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સર્ટિફિકેટમાં નામો સહિતની ભૂલો રહી ગઈ હોવાની બુમરાણ ઉઠી હતી. આ સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં મોટાભાગના વિજેતાઓ ગેરહાજર રહ્યા હતા. ત્યારે હવે સર્ટિફિકેટમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે રમત ગમત વિભાગની કચેરીએ વિધાર્થીઓને ધક્કા ખાવા પડશે.

- text

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી – મોરબી દ્વારા ચાલુ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભ – 2019માં જિલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ મોરબીમાં પોલીસ પરેડ ગ્રાન્ડ ખાતે આજે યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદદ્ઘાટન ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના અધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તથા સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 2795 વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જો કે પરીક્ષાના દિવસે આ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાતા મોટાભાગના વિધાર્થીઓ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. અમુક વિજેતાઓના સર્ટિફિકેટ બન્યા જ ન હતા. તેમજ રમત ગમતના સર્ટિફિકેટમાં નામો સહિતની અનેક ભૂલો અને છબરડા આંખે ઉડીને વળગ્યા હતા. તેથી, સર્ટિફિકેટ બનાવાની ઉતાવળે કામગીરી થતા આ ભૂલો રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. સર્ટીફીકેટમાં નામોની ભૂલ સુધારવા માટે રમત ગમત વિભાગની કચેરીએ ધક્કા ખાવા પડશે. જ્યારે આજે સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોએ રમત ગમતની સાથે જીવનમાં પણ ખેલદિલી રાખવાની વિધાર્થીઓને શીખ આપી હતી.

- text