મોરબીના જોધપર(નદી)માં અજાણ્યા પુરૂષની હત્યાના પ્રકરણમાં 4ની ધરપકડ : ત્રણ ફરાર

- text


ચાર શ્રમિકો અને ત્રણ કારખાનાના માલિકો મળી કુલ 7 શખ્સોએ અજાણ્યા પુરૂષને ચોર સમજીને તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારતા મોત નીપજ્યું હતું

મોરબી : મોરબીના જોધપર ( નદી)માં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં આ પુરૂષને 7 શખ્સોએ ચોર સમજીને બાંધીને માર માર્યો હોવાથી તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે આ કામના આરોપીઓમાંથી ચાર શ્રમિકોની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોય તેમને શોધી કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે.

સમગ્ર ઘટના અંગે એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ગત તા. 4 ડિસેમ્બરના રોજ જોધપર ( નદી) જી.આઈ.ડી.સી.મા આવેલ શિવમ એસ્ટેટ-2માં ધવલ પ્રિન્ટ-પેક કારખાનાની પાસે એક અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની તાલુકા પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તુરંત મૃતદેહને પીએમ અર્થે ખસેડીને સઘન તપાસ આદરી હતી.

- text

આ તપાસમા બહાર આવ્યું હતું કે તા.3 ડિસેમ્બરના રાતના 2:30 વાગ્યાના અરસામાં આ સ્થળે રહેતા શ્રમિક અજયકુમાર પાંડુરંગના રૂમની બહાર અવાજ આવતા તે જાગી ગયો હતો. અને બહાર તેને અજાણ્યા પુરુષને જોયો હતો. આ પુરુષ ચોરી કરવા આવ્યો હોવાનું અનુમાન લગાવીને અજયકુમાર પાંડુરંગે તેમજ શ્રમિકો રમેશસિંગ શ્રીકુંજબિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદે તેને માર માર્યો હતો.

બાદમાં આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હોય કોઈએ કારખાનાના માલિકને ફોન કરતા કારખાનાના માલિક વિનોદભાઈ મગનભાઈ સવસાણી, તેમનો દીકરો કેવલ વિનોદભાઈ સવસાણી અને વિનોદભાઈ હરજીવનભાઈ વરમોરાએ ત્યાં આવીને ચારેય શ્રમિકો સાથે મળીને અજાણ્યા પુરુષને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જેથી આ અજાણ્યા પુરુષનય મોત નીપજ્યું હતું.

આ મામલે તાલુકા પોલીસે સાતેય શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ચાર શ્રમિકો અજયકુમાર પાંડુરંગ, રમેશસિંગ શ્રીકુંજબિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ વિનોદભાઈ મગનભાઈ સવસાણી, તેમનો દીકરો કેવલ વિનોદભાઈ સવસાણી અને વિનોદભાઈ હરજીવનભાઈ વરમોરા ફરાર હાલતમાં હોય તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text