ઇ વે બિલ વગરના 7 ટ્રકો ઝડપાયા બાદ મોરબીના સીરામીક એકમોમાં દરોડા, રૂ. 5 કરોડના GST કૌભાંડની આશંકા

ડીજીજીઆઈની રાજકોટ કચેરીની કાર્યવાહી : બિલમાં પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સને કોમર્શિયલ ગ્રેડની દર્શાવ્યા હોવાનું ખુલ્યું, તમામ માલ સીલ કરીને તપાસનો ધમધમાટ

મોરબી : ડીજીજીઆઈની રાજકોટ કચેરી દ્વારા 7 ટ્રકોને ઇ વે બિલ વગર પકડ્યા બાદ તેમના બિલમાં પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સને કોમર્શિયલ ગ્રેડની દર્શાવ્યા હોવાનું જોવા મળ્યું હતું. જેથી ટિમ દ્વારા આ માલને સીલ કરીને મોરબીના 7 સીરામીક યુનિટો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. જેમાં 5 કરોડ સુધીનું જીએસટી કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ડીજીજીઆઈની રાજકોટ કચેરી દ્વારા ઇ વે બિલ વગરના 7 ટ્રકોને પકડી પાડ્યા હતા. આ ટ્રકના ડ્રાઇવરો પાસે સહી વગરના ઇનવોઇસ બિલ મળી આવ્યા હતા. ઉપરાંત ઇનવોઇસ બિલમાં પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સને કોમર્શિયલ ગ્રેડની દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ઘટના સ્થળે જ કરવામાં આવેલા ચેકીંગ દરમિયાન ક્વોન્ટીટીમા પણ ગોટાળા નજરે ચડ્યા હતા. જેથી ડીજીજીઆઈની ટિમે મુદ્દામાલને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાદમા આ તપાસનો રેલો મોરબીના સીરામીક એકમો સુધી પહોંચ્યો હતો. તપાસમાં હકીકત એવી ખુલી કે જે ફર્મ રજીસ્ટર હતી તેને બદલે અન્ય એક ગુપ્ત સ્થળેથી તમામ માલની હેરફેર કરવામાં આવતી હતી. તે જગ્યાએ જઈને ડીજીજીઆઈની ટીમે તપાસ કરતા આ જીએસટી છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. ફર્મના નામ અને જીએસટી નંબર પણ થોડા થોડા સમય બદલીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. ડિજીજીઆઈની ટીમ દ્વારા આ પ્રકારે મોરબીના કુલ 7 મેન્યુફેક્ચરિંગ યુનિટો ઉપર તપાસ કરવામાં આવી હતી. જ્યાં જે જગ્યાએથી શંકાસ્પદ લાગતા પુરાવાઓ મળી આવ્યા તે તમામ પુરાવાઓ સિલ કરવામાં આવ્યા છે.

ડીજીજીઆઈની ટીમે કરેલી પૂછપરછ દરમિયાન ઓથોરાઈઝડ વ્યક્તિઓએ એવી કબૂલાત પણ આપી હતી કે તેઓ પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સને કોમર્શિયલ ટાઇલ્સ બતાવીને તેને મોકલતા હતા. હાલ આ તપાસમાં 42 લાખની જીએસટી ચોરી પકડાઈ છે. આ કૌભાંડ કુક રૂ. 5 કરોડ સુધીનું હોવાની ડીજીજીઆઈની ટિમ દ્વારા આશંકા વ્યક્ત કરાઈ છે.