મોરબી જિલ્લામા ડેન્ગ્યુ અંગેની જનજાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગે યોજી 29 રાત્રીસભાઓ

- text


તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને પપેટ શોના માધ્યમથી લોકોને ડેન્ગ્યુથી બચવા શુ શુ કરવું જોઈએ તે અંગે માહિતગાર કરાયા

મોરબી : મોરબી જિલ્લામા ડેન્ગ્યુના કેસોનુ પ્રમાણ વધતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. મચ્છરોના ઉદ્દભવસ્થાનો નાશ કરવાની સાથોસાથ લોકોમાં જાગૃતિ કેળવાય તે પણ જરૂરી હોય માટે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અંગેની જનજાગૃતિ કેળવવા 29 રાત્રીસભાઓ યોજી છે. જો કે હજુ પણ આ સભાઓનો સિલસિલો યથાવત જ રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાની સૂચના અને આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ લાવવા માટે રાત્રી સભાઓ અને પપેટ શો યોજવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જિલ્લાની ટિમ દ્વારા 6, મોરબી તાલુકાની ટીમ દ્વારા 5, માળિયા તાલુકાની ટિમ દ્વારા 5, વાંકાનેર તાલુકાની ટિમ દ્વારા 8, ટંકારા તાલુકાની ટિમ દ્વારા 2 અને હળવદ તાલુકાની ટિમ દ્વારા 3 મળી કુલ 29 રાત્રી સભાઓ યોજવામાં આવી છે. હાલ પણ ડેન્ગ્યુના કેસો ધરાવતા સ્થળો ઉપર રાત્રી સભા યોજવાનો સિલસિલો ચાલુ જ રાખવામાં આવ્યો છે.

- text

આ રાત્રી સભા દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પ્રોજેક્ટર લગાવી ડેન્ગ્યુ તાવના લક્ષણો, ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર ક્યા કયા ઉત્પન્ન થાય છે, મચ્છરના નિયંત્રણ માટે શુ શુ કરવું તેમજ સારવાર અને તકેદારીની બાબતો અંગે સ્લાઈડ અને વીડિયો બતાવીને લોકોને વિશેષ માર્ગદર્શન આપવાં આવે છે. વધુમાં મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.સી.એલ.વારેવડિયા દ્વારા જિલ્લાના તમામ લોકોને ડેન્ગ્યુથી બચવાના પગલાં લેવા તેમજ મચ્છર ઉત્પન્ન થઇ ન શકે તે માટે સાફ સફાઈ રાખવા અપીલ કરવામાં આવી છે.

- text