મોરબીના સામાકાંઠે મજૂર થયેલા કામો કરવામાં તંત્રની ડાંડાઇ : તંત્રએ દાદ ન આપતા કલેકટરને ફરિયાદ

- text


કોંગ્રેસ શાસિત પાલિકા તંત્ર સામે વોર્ડ નંબર 4માં વિવિધ સમસ્યાઓ મામલે ઓરમાયું વર્તન દાખવાતું હોવાનો ખુદ કોંગ્રેસના કાઉન્સિલરનો આક્ષેપ : પાલિકા તંત્ર ધ્યાન ન આપતા તેમને પોતાના વિસ્તારની લાઈટ સફાઇ અને મજૂર થયેલા કામો કરવા અંગે કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વોર્ડ નંબર 4 ના સોઓરડી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.હાલમાં મોરબી પાલિકામાં કોંગ્રેસનું શાસન છે.ત્યારે વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે પાલિકા તંત્ર તેમના વિસ્તારની સમસ્યાઓની રજૂઆતોને ગણકારતું ન હોવાની અને પ્રાથમિક સુવિધા મામલે તંત્ર ઓરમાયું વર્તન દાખવતું હોવાથી ફરિયાદ સાથે તેમણે કલેકટરને રજુઆત કરી છે.જેમાં મજૂર થયેલા કામો પણ ન કરાયા હોવાની પણ ફરિયાદ કરી છે.સાથેસાથે આ વિસ્તારના જિલ્લા સેવાસદન રોડની લાઈટો બંધ અને સફાઈ અંગે પણ રજુઆત કરી હતી.

- text

મોરબીના શોભેશ્વર મેઇનરોડ , જિલ્લા સેવાસદન રોડ તેમજ નટરાજથી નજરબાગ રેલવે સ્ટેશન સુધી તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાહદારીઓ તેમજ સ્થાનિકો અંધારે કુટાવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસથી કલેકટર કચેરી સુધીના રોડ પર 80 ટકા લાઈટો બંધ છે. જે તાત્કાલિક ચાલુ કરાવવા માટે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહિયાએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે. કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે,વોર્ડ નંબર 4ના સો ઓરડી વિસ્તાર, વરિયા નગર, ચામુંડા નગર, ભુવનેશ્વરી સોસાયટી, રચના સોસાયટી, કર્મચારી સોસાયટી અને ગાંધી સોસાયટી વિસ્તારમાં સફાઈ કામદારો ન આવતા હોવાની રાવ પણ મહિલા કાઉન્સીલરે કલેક્ટરને કરી છે.

તેમણે રજુઆતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 4માં સોઓરડી સહિતના વિસ્તારોમાં વર્ષ 2017માં રોડના કામો મંજુર થયા હતા.જેમાં શોભેશ્વર રોડ કનૈયા પાનથી ચક્કર વાળા રોડ પાવન પાર્ક સુધીનો સીસી રોડ, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામેનો રોડ અને નગરબાગથી ગાંધી સોસાયટી સુધીનો મેઈન રોડના કામો સરકારી ગ્રાન્ટ મુજબ બનાવવાના તે સમયે પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવો પણ થયા હતા.પણ આજદિન સુધી આ કામો કરવામાં આવ્યા નથી.તેથી આ કામો મંજુર થયા હોવા છતાં હજુ સુધી કેમ કામો થયા નથી ?હવે જોવું રહ્યું કે કાઉન્સિલરની ફરિયાદ બાદ ઉપરોક્ત સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે કે કેમ.ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં કોંગ્રેસનું શાસન હોવા છતાં તેઓના કાઉન્સિલરોની રજુઆત કે ફરિયાદ કોઈ સાંભળતું ન હોવાથી આખરે કાઉન્સિલરે આ બાબતે જિલ્લા કલેકટરને રજુઆત કરવી પડી છે, ખુદ કાઉન્સિલરને તંત્ર ગાંઠતું ન હોય તો સામન્ય લોકોને કેવો મરો થતો હશે ?

- text