ટંકારામાં સગીરા ઝેરી જીવાત ખાઈ જતા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ : અંતે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધાની ફરિયાદ નોંધાઇ : ટંકારા પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના એક ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરો કરતી સગીરા ઝેરી જીવાત ખાઈ જતા તેણીની સારવાર દરમિયાન આ સગીરા સગર્ભા હોવાનો ભાંડાફોડ થયો હતો.આ સગીરા પર એક શખ્સે વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દીધો હોવાનું ખુલતાં ટંકારા પોલીસે તેણીના પિતાની ફરિયાદના આધારે એક શખ્સ સામે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારના એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાડીએ આદિવાસી પરિવાર ખેતમજૂરી કરે છે.આ ખેતમજૂર પરિવારની એક સગીર વયની પુત્રી ઝેરી જીવાત ખાઈ જતા તેણીને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો.આથી આ સગીરાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.જ્યાં તબીબે સગીરાની મેડિકલ ચકાસણી કરતા તેની પ્રેગનન્ટ હોવાનું બહાર આવ્યું હતું.આ સમગ્ર મામલો તેના પરિવાર સમક્ષ આવ્યો હતો.આથી તેના પરિવારે તપાસ કરતા તેમની સાથે ખેતમજૂરી કરતો એક મજુરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું હતું.આથી સગીરાના પિતાએ તેમની સાથે ખેતમજૂરી કરતા શખ્સ મુકેશ કારુભાઈ મેહડા સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર વયની દીકરી પર આરોપીએ વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.જો કે રાજકોટ હોસ્પિટલમાંથી આ બનાવની ટેલિફોનિક જાણ થતાં ટંકારા પોલીસના હરદીપસિંહ ઝાલા અને સુરેશભાઈ પટેલ રાજકોટ દોડી જઈને આ બનાવની ફરિયાદ નોંધી હતી.આથી ટંકારા પોલીસે આ શખ્સ સામે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ બનાવની તપાસ ટંકારાના પીએસઆઇ એલ.પી બગડા ચલાવી રહ્યા છે.