મોરબી સિવિલ હોસ્પિટલમાં બે માસથી દરરોજ 700 જેટલા નોંધાતા દર્દીઓ

સિવિલ હોસ્પિટલ કરતા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો પાંચ ગણો વધારો, જિલ્લામાં ચાલુ વર્ષે 117 ડેન્ગ્યુના કેસ

મોરબી : મોરબીમાં રોગચાળો બેકાબુ બન્યો છે. વાયરલ ઇન્ફેક્શન જન્ય બીમારી અને ડેન્ગ્યુએ માજા મૂકી છે.જેમાં મોરબી જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 117 ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 700થી 800 દર્દીઓ નોંધાઇ છે. જો કે સિવિલ હોસ્પિટલ કરતા પણ ખાનગી હોસ્પિટલમાં પાંચ ગણો દર્દીઓનો વધારો જોવા મળે છે. હાલ મહા વાવાઝોડાની અસરને કારણે વાતાવરણ બગડતા હવે પછી રોગચાળો વધુ માજા મૂકે તેવી નાજુક સ્થિતિ સર્જાઈ છે.

મોરબી જિલ્લામાં છેલ્લા બે માસથી વરસાદી વાતાવરણ અને સતત ગંદકીને કારણે ભયકર મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળો એટલી હદે વકર્યો છે કે ધરેઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસથી દરરોજના 700થી 800 દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને તાવ શરદી ઉધરસ સહિતના રોગાના દર્દીઓથી તમામ નાના મોટા દવાખાના અને હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આ તો માત્ર સિવિલ હોસ્પિટલના જ આંકડા છે.જ્યારે ખાનગી હોસ્પિટલોમા દર્દીઓનો આના કરતાં પાંચ ગણો વધારો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાંમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેંગ્યુના 38 કેસ નોંધાયા છે. જ્યારે મોરબી જિલ્લામાં ડેન્ગ્યુનો 18 નો આંક હતો. જે ઓક્ટોબર માસમાં 38 કેસ વધીને ચાલુ વર્ષે 117 જેવા ડેન્ગ્યુના કેસ થયા છે. છેલ્લા અઠવાડિયા પહેલાના સિવિલમાં 220થી ઉપરના કેસ હતા. આમ, શરદી ઉધરસ જેવા વાયરલ કેસોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહી છે. હજુ પણ આ મહા વાવાઝોડાની અસરથી વાતાવરણ વધુ બગડતા રોગચાળો વધુ માજા મૂકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં હાલ બે ડોકટરો ઓપીડીમાં સેવા આપી રહ્યા છે. 19માંથી 14 ડૉક્ટરો જ ભરેલા છે. જેમાં પાચની જગ્યા ખાલી છે અને 2 ડોકટરો ડેપ્યુટેશન ઉપર છે.તયરે હાલ માત્ર બે ડોકટરો હોય અને સામે દર્દીઓની મોટી સંખ્યા હોવાના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ છે.

સિવિલ હોસ્પિટલના એક ડોકટર પણ ડેન્ગ્યુને ઝપટે ચડ્યા

મોરબીમાં રોગચાળો કાબુ બહાર જઈ રહ્યો છે.જોકે સામાન્ય લોકોની સાથે ખુદ ડોક્ટર પણ રોગચાળાની ઝપટે ચડી ગયા છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલના એક ડોકટર ડેન્ગ્યુના શિકાર બન્યા છે અને હાલ તેઓ રાજકોટ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.