મોરબી આવતા મુખ્યમંત્રી રૂપાણીને ધારાસભ્ય મેરજાએ ખુલ્લો પત્ર પાઠવી મોરબીની સમસ્યાઓ ઉકેલવાની માંગ કરી

- text


મોરબીની વિવિધ સમસ્યાઓ ઉકેલવા માટે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી :આગામી તા. ૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તે ટાંકણે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી – માળીયા (મીં) પંથકના લાંબા સમયથી વણઉકેલ અને નીતિ વિષયક પ્રશ્નો બાબતે અગાઉ વખતો વખત રજૂઆતો કરવા છતાં તે ઉકેલાયા નથી તે સદર્ભે મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર પાઠવીને આ પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તેવી મોરબી – માળીયા (મીં) વિસ્તારની પ્રજાના લોકહિતમાં માંગણી કરી છે.

- text

આ અંગે ધારાસભ્યશ્રીએ વિશેષ માહિતી આપતા જણાવ્યુ છે કે મોરબીને (૧) મેડિકલ કોલેજ આપવા (૨) મોરબી જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને પાકની નુકશાનીનું વળતર અને પાક વીમો ત્વરિત ચૂકવવા (૩) મોરબી – પીપળી – જેતપર – મચ્છુ રોડ ફોરલેન કરવા (૪) મોરબીને મહાનગરપાલિકા આપવા (૫) મોરબી – હળવદ રોડ ફોરલેન કરવા (૬) મોરબી શહેરમાથી પસાર થતી મચ્છુ – ૨ ની ઓપન કેનાલનું બોક્સિંગ કરીને કવર કરવા (૭) મોરબી સિરામિક ઉદ્યોગ માટે ટ્રાન્સપોર્ટ નગર ઊભું કરવા (૮) મોરબી નગરપાલિકાને ખાસ ગ્રાન્ટ ફાળવી સામાકાંઠે ફાયર સ્ટેશન મંજૂર કરવા (૯) મચ્છુ – ૨ કેનાલને લંબાવીને ગ્રેવેટીના ધોરણે મોરબી – માળીયા (મીં) ના ૫૦ થી વધુ ગામોને સિંચાઇ સુવિધા આપવા (૧૦) એરોડ્રામ આપવા (૧૧) ભક્તિનગર સર્કલ, નટરાજ ફાટક, રફાળેશ્વર ફાટક, નવલખી ફાટકના ફલાય ઓવર તેમજ વી.સી. પરામાં અંડર પાસ બ્રિજ તાકીદે બાંધવા (૧૨) મોરબી આર.ટી.ઑ. કચેરી પાસે મચ્છુ – ૩ પાસેનો બ્રિજ તાત્કાલિક નવો બાંધવા (૧૩) માળીયા (મીં) થી પીપળીયા ચાર રસ્તા સુધીનો રસ્તો નેશનલ હાઇવે જાહેર કરી મચ્છુ ઉપરનો માળીયા (મીં) નો જર્જરિત બ્રિજ નવો બાંધવા (૧૪) માળીયા (મીં) ના મીઠા ઉત્પાદકો અને અગરીયાના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવવા (૧૫) નવલખી બંદરે મંજૂર થયેલ જે.ટી.નું બાંધકામ તુરંત જ ચાલુ કરવા (૧૬) માળીયા (મીં) ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો તાકીદે મુકવા (૧૭) મોરબીના ટ્રાફિકને ધ્યાને લઈ રિંગ રોડ મંજૂર કરવા (૧૮) માળીયા (મીં) ખાતે તાલુકા સેવા સદન બાંધવા (૧૯) મોરબી – માળીયા (મીં) – જોડિયા જુથ પાણી પુરવઠા યોજનાનુ નવીનીકરણ કરવા (૨૦) મોરબી શહેરની ડ્રેનેજ, પીવાના પાણી તેમજ શહેરમાથી પસાર થતાં રાજ્ય સરકાર હસ્તકના રાજ્ય ધોરિમાર્ગનું નવીનીકરણ કરવા બાબતે વિસ્તૃત ખુલ્લો પત્ર પાઠવીને જાગૃત ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ માંગણી કરી છે.

- text