મોરબી જિલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદથી ખેડૂતો પાયમાલ : મોં એ આવેલો કોળિયો છીનવાયો

- text


ટંકારામાં અઢી, વાંકાનેરમાં સવા બે, મોરબીમાં પોણા બે અને હળવદમાં સવા ઈંચ કમોસમી વરસાદ : ભાઈબીજે માવઠાથી કપાસ,મગફળી તલીના તૈયાર પાકોને નુક્શાણીથી ખેડૂતોની કફોડી હાલત : વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનથી વીજપોલ નમી ગયા : બે કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ

(હરદેવસિંહ ઝાલા, જયેશ ભટાસણા, રમેશ ઠાકોર, મેહુલભાઈ ભરવાડ દ્વારા )

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે ભાઈબીજે માવઠું થયું હતું. ભાઈબીજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ગઈકાલે સાંજથી રાત્રી દરમિયાન ટંકારામાં અઢી, વાંકાનેરમાં સવા બે, મોરબીમાં પોણા બે અને હળવદમાં સવા ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદથી કપાસ અને તલીના પાકોને નુકશાન થવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે ભાઈ બીજ અષાઢી બીજ બની હોય તેમ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે ભાઈબીજના સાંજના સમયે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને એ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં ગઈકાલે સાંજથી રાત્રી દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો.સરકારી ચોપડે નોંધાયેલા વરસાદના આંકડા પ્રમાણે ટંકારમાં 66 મિમી, વાંકાનેરમાં 69 મિમી, મોરબીમાં 43 મિમી, હળવદમાં 30 મિમી અને માળીયામાં 4 મિમી વરસાદ નોંધાયો હતો. જોકે જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 3 થી 4 ઇંચ ભારે વરસાદ પડ્યાના અહેવાલો છે. જ્યારે કમોસમી વરસાદને પગલે કપાસ, તલી સહિતના પાકોને ભારે નુકશાન થયું હતું.જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અગાઉથી ઓવરફ્લો રહેલા મચ્છુ -2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

ટંકારમાં ગઈકાલે ભાઈબીજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો.જેથી ટંકારના આથમણી દિશા બાજુના ગામો જબલપુર, કલ્યાણપર, સરાયા, સાવડી, નેસડા, ધુંનડા, નાના ખીજડિયા, બંગાવડી, નસીતપર, ટંકારા, લજાઈ, હડમતીયા, મિતાણા, સહિતના મોટા ભાગના ગામોમાં કપાસ, મગફળી, તલી સહિતના તૈયાર પાકોને ભારે નુકશાન થયું હતું .જેમાં મગફળીના પાથરા ખેડૂતોએ કાઢ્યા હતા પણ ભારે વરસાદથી પલળી જતા ફેંકી દેવાનો વખત આવ્યો છે. એક તો પાક માટે મોંઘા બિયારણ,દવા, ખાતરનો ખર્ચો માથે પડ્યો છે બીજી તરફ ભારે વરસાદથી પાથરા સહિતના તૈયાર માલને ફેંકી દેવા માટે અલગથી મજૂરી ચૂકવવી પડે એવી નોબત આવી છે.તલી અને કપાસના તૈયાર પાકોની પણ આવી જ ખરાબ હાલત થઈ છે.જ્યારે વરસાદને પગલે ટંકારમાં લેઉઆ પટેલ સમાજનો કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.તેમજ ભારે પવનથી વીજપોલ નમી ગયા હતા અને ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હતો.

- text

ટંકારા પંથકમાં ગઈ રાત્રીએ વિજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ તુટી પડતા ઘરતીપુત્રોના મોંએ આવેલ કોળીયો અચાનક જ છીનવાઈ ગયો હોય તેમ મગફળી, કપાસ, તલી, અડદ,મગ અને પશુપાલકોનો પશુ ચારો નાશ પામ્યો છે. કિશાનપુત્રોએ દેણું કરીને પણ ચોમાસામાં અતિભારે વરસાદથી પોતાનો પાક માંડ બચાવીને તૈયાર કર્યો હતો. કપાસમાં ફાલ, ફુલ અને જીંડવાથી છોડ ભરચક ભર્યા હતા. આ જોઈને જગતના તાતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી પણ અચાનક જ આ ખુશીની લહેર કમોસમી વરસાદથી મરસીયામાં ફેરવાઈ જતા ગામડાઓના ખેડુતોમાં ગમગીની છવાઈ ગઈ છે. ત્યારબાદ તૈયાર કરેલ મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તલીના ઓઘા કરેલ પાક એક પવનની ઝાપટથી ખેતરમાં જ ઉડી ગયા છે. મગ અને અડદ તેમજ પશુઓ માટે પશુપાલકોએ તૈયાર કરેલ જુવાર જેવો સુકો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યારે આવનાર સમયમાં પશુપાલકો તેમજ ખેડુતો પર કેવી વિતે છે તે સમય જ બતાવશે. હાલ તો ખેડુતોની દશા દયનીય બનીને જ રહી ગઈ હોય તેમ સરકાર પાસે ના છુટકે હાથ લંબાવવા વિના છુટકો જ નથી તેમ આ વર્ષ લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડુતો વળતર આપવા વિનંતી કરી રહ્યા છે.વાંકાનેર શહેરમાં ગઈકાલે બે ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.જ્યારે આનાથી પણ વધુ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે કપાસ, તલી અને મગફળીના તૈયાર પાકોને નુકશાન થયું હતું ખેતરોમાં ભારે પાણી ભરાયેલા છે જેથી બે દિવસ સુધી ખેતરોમાં જઈ શકાય તેમ નથી. પાકને નુકશાન થતા ખેડૂતોએ ચાર મહિના સુધી કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે.

હળવદ તાલુકામાં પણ ગઈકાલે ભાઈબીજના દિવસે ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગઈકાલે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ પડતાં ખેતીને વ્યાપક નુકશાની થઈ હતી.જેમાં ખેડૂતોએ ખેતરોમાં મગફળી લણીને તૈયાર રાખી હતી.તેવા સમયે વરસાદ પડતાં મગફળી બગડી ગઈ છે.જોકે નવરાત્રી વખતે વરસાદ પડ્યો ત્યારે કપાસનો વ્યાપક નુકશાન થયું હતું.આથી ખેડૂતોને મગફળી પર આશા બંધાઈ હતી કે, આ મગફળીના પાકથી ખર્ચા નીકળી જશે, પણ વરસાદથી એ આશા પર પાણી ફરી વળ્યું છે.ખેડૂતોની મહેનત માથે પડી છે.ખેતરોમાં તૈયાર થયેલો પાકને ભારે નુકશાન થયું છે.જોકે ગતરાત્રે વરસાદને પગલે હળવદ પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.પણ વીજ તંત્રએ તહેવારોના સમયે ખડેપગે રહીને રાતભર વીજ પુરવઠો ચાલુ રાખવાની કાર્યવાહી કરી હતી.જ્યારે હાલમાં હળવદ પંથકમાં અતિવૃષ્ટિને પગલે ચાલી રહેલા ખેતીવાડી વિભાગના સર્વે સામે ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો છે અને ખેડૂતોએ તેમની નુકશાની પ્રમાણે સર્વે ન થતો હોવાની ફરિયાદ સાથે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યો છે .તેમજ ફરીથી રી સર્વેની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,મોરબી જિલ્લામાં આ વખતે ચોમાસુ ભરપૂર રહ્યું છે અને ભારે વરસાદ પડતાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં વધુ વરસાદથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે ચોમાસાની સિઝન પુરી થઈ જવા છતાં હજુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેમ બેસતા વર્ષ પછી પણ વરસાદ ચાલુ રહ્યો છે અને આ માવઠાથી જગતાંત આફતમાં મુકાય ગયો છે.

- text