ભાઈબીજ બની અષાઢી બીજ : ટંકારામાં અઢી, મોરબીમાં બે અને વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ (8.00pm)

- text


મોરબી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 46mm, વાંકાનેરમાં 36mm અને ટંકારામાં 58mm જયારે માળિયામાં 4mm વરસાદ નોંધાયો

મોરબી, 29 ઓક્ટોબર (8.00pm) : મોરબી જિલ્લામાં ભાઈબીજના દિવસે અષાઢી બીજ હોય તેવો વરસાદી માહોલ સર્જાયો છે. નવા વર્ષના તહેવારે મેઘરાજાએ ચોમાસાનો માહોલ સર્જી ધોધમાર બે થી 3 ઇંચ વરસાદ વરસાવતા ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. અચાનક કમૌસમી ભારે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુની કેહવત મુજબ ભારે નુકસાની થઇ છે. જયારે તહેવારોમાં ભારે વરસાદથી બહાર પરિવાર સાથે ફરવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મેઘરાજાએ પ્રથમ ટંકારા પંથકને ધમરોડ્યા બાદ મોરબીના ગ્રામ્ય વિસ્તારો અને મોરબી શહેરનો વારો લીધો હતો. અને મોડી સાંજે સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા મોરબી શહેરના તમામ માર્ગો નદીઓના વહેણમાં ફેરવાઈ ગયા હતા. જયારે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટંકારા, મોરબી ઉપરાંત મેઘરાજાએ વાંકાનેરમાં પણ થોડીવાર સટાસટી બોલાવી હતી. જ્યારે ટંકારા અને મોરબીના અમુક ગામોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મોટાભાગના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદના પગલે વીજ પુરવઠો રાબેતામુજબ ખોરવાઈ ગયો હતો. જયારે મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે ટંકારા અને મોરબીના ગામોમાં આજે ભાઈબીજના દિવસે યોજાનારા નાટકોના મોટાભાગના કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી હતી. જયારે માળીયા અને હળવદમાં પણ વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 46mm, વાંકાનેરમાં 36mm અને ટંકારામાં 58mm જયારે માળિયામાં 4mm વરસાદ નોંધાયો છે. જયારે હળવદમાં સરકારી ચોપડે વરસાદ નોંધાયો નથી. આમ ઇંચમાં જોઈએ તો રાત્રીના 8 વાગ્યા સુધીમાં ટંકારામાં અઢી, મોરબીમાં બે અને વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે. અને હજુ પણ મોરબી અને ટંકારામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

- text

જયારે કારતકે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે મોરબી જિલ્લામાં આ ચોમાસામાં ભારે વરસાદથી લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાય હતી અને ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હતો ત્યારે છેલ્લે આજે દિવાળી બાદ કમૌસમી વરસાદ પણ ધોધમાર પડતા ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. જયારે બીજી બાજુ આ કમૌસમી વરસાદ અગાવથી જ રોગચાળાની ઝપટમાં આવેલા મોરબીવાસીઓ માટે વધુ ઘાતક સાબિત થવાની નહોતી છે. આ વરસાદથી ફરીથી ખેતરો અને અન્ય જગ્યાએ પાણીના ખાડા ખાબોચિયા ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધશે અને ડેન્ગ્યુ જેવા રોગચાળો વધુ ફેલાશે તેવી ભયજનક સ્થિતિનું નિર્માણ આ વરસાદ થી થયું છે.

વાંકાનેરમાં વીજ તંત્રની પોલ ખુલી : વરસાદના લીધે ગામમાં અંધારપટ

(હરદેવસિંહ ઝાલા)
વાંકાનેરમાં સાંજના સમયે કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદના કારણે લાઈટ ચાલી જતા ગામમાં અંધારપટ છવાઈ ગયેલ લાઈટ ગયા ને એક કલાક કરતા વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી વીજતંત્ર લાઈટ પૂર્વવત કરી શકી નથી. વીજતંત્રના કંટ્રોલ રૂમ નો ફોન સતત નો રીપ્લાય આવી રહ્યો છે માટે શહેરીજનો એ પણ જાણી નથી શકતા કે ક્યારે લાઈટ પૂર્વરત થશે. આમ વરસાદના પગલે લાઈટ જતા ગામમાં અંધારપટ છવાઈ ગયેલ અને વીજતંત્રની બેદરકારીના લીધે કંટ્રોલ ફોન પણ નોરીપ્લાય આવતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. જયારે વરસાદના પગલે વાંકાનેર ઉપરાંત મોરબી અને ટંકારાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

 

- text