મોરબીના સિરામિક ઉદ્યોગના હાલ બેહાલ : 20 ટકા એકમો બંધ

- text


બાંધકામ ક્ષેત્રે આવેલી મંદી, દેશભરમાં ભારે વરસાદ અને સરકાર તરફથી થતી કનગડતાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી : દિવાળી સુધીમાં વધુ 10 ટકા ઉદ્યોગો થશે શટ ડાઉન
મોરબી : દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવનાર મોરબીનો સિરામિક ઉદ્યોગના હાલ બેહાલ થયા છે. બાંધકામ ક્ષેત્રે મંદીના મારને કારણે તેમજ દેશભરમા પડેલા ભારે વરસાદ અને સરકાર તરફથી થતી કનગડતાથી સિરામિક ઉદ્યોગને ભારે ફટકો પડયો છે. હાલ 20 ટકા જેટલા સિરામિક ઉદ્યોગો બંધ થઈ ગયા છે. ઉપરાંત વધુ 10 ટકા જેટલા સીરામીક ઉદ્યોગો દિવાળી સુધીમાં બંધ થઈ જવાની તૈયારીમાં છે. આ કારણે હાલ 15 હજાર જેટલા કારીગરો પણ બેકાર બન્યા છે.

મોરબીના સિરામિક ઉદ્યોગે આપબળે જ આગળ આવીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશના ટાઇલ્સ ઉત્પાદનનો 90 ટકા હિસ્સો ધરાવે છે. હાલ તો આ ઉદ્યોગની હાલત દયનિય બની છે. વોલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ, ફ્લોર ટાઇલ્સ અને સેનેટરી પ્રોડકટનું ઉત્પાદન કરતા અગાઉ 930 જેટલા એકમો હતા. જે 54 લાખ બોક્ષનું ઉત્પાદન કરતા હતા. હાલ આ એકમોમાંથી 185 જેટલા એકમો બંધ થઈ ગયા છે. જેથી ઉત્પાદન પણ ઘટીને 45 લાખ બોક્ષે પહોંચી ગયું છે.

આ તમામ એકમોમાં અગાઉ 76 હજાર જેટલા કારીગરો કામ કરતા હતા. એકમો બંધ થવાથી 15 હજાર જેટલા કારીગરો બેકાર બની જવાથી પોતાના દેશ ભણી ગયા છે. આમ હાલ 20 ટકા જેટલા સિરામિક એકમો બંધ થઈ ગયા છે. જ્યારે દિવાળી સુધીમાં કુલ 30 ટકા જેટલા એકમો બંધ થઈ જવાની પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાના જણાવ્યા મુજબ સિરામિક ઉદ્યોગની ખરાબ હાલત થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય તો દેશભરમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે બાંધકામ અટકી પડ્યું હતું. જ્યા સુધી બાંધકામ શરૂ ન થાય ત્યાં સુધી સિરામિક પ્રોડકટની જરૂરિયાત ઉભી થતી નથી. બીજું કારણ બાંધકામ ક્ષેત્રે મંદી પણ છે. આ ઉપરાંત અર્થતંત્રમા સુસ્તી હોવાના કારણે પણ સિરામિક ઉદ્યોગને ઘણી અસર પહોંચી છે. વધુમાં સાઉદી અરેબિયામા સિરામિક પ્રોડકટનું સૌથી મોટું એક્સપોર્ટ થતું હતું. પરંતુ ત્યાં નિયમ કડક થઇ ગયા છે. હાલ ત્યાં નિકાસ કરવા માટે ફેક્ટરીને 17 લાખ જેટલો ખર્ચ થાય છે. અત્યારે એક જ કંપનીનું ત્યાં નિકાસ કરવા માટે રજિસ્ટ્રેશન થયું છે. બાકી કંપનીઓનું રજિસ્ટ્રેશન પ્રોસેસમાં છે.

વધુમાં હજુ દિવાળી બાદ પણ વધારાના 10 ટકા એકમો બંધ થવા તરફ છે. જેના કારણે હજુ પણ કારીગરો બેરોજગાર બનવાના છે. અગાઉ પણ એનજીટીના આદેશ પ્રમાણે કોલગેસીફાયર બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ કોલગેસીફાયર માટે રાખેલા 8 હજાર જેટલા કારીગરો બેરોજગાર બન્યા હતા.

બે મહિના બાદ સિરામિક ઉદ્યોગો ફરી પાટે ચડી જાય તેવી શકયતા

- text

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું કે આગામી બે મહિના બાદ સિરામિક ઉદ્યોગ ફરી પાટે ચડી જાય તેવી શક્યતાઓ છે. કારણકે હવે વરસાદ રહી ગયો છે. જેથી બાંધકામ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત સાઉદી અરેબિયા સિરામિક માટે સૌથી મોટુ એક્સપોર્ટ સેન્ટર છે. ત્યાં નિયમોમાં ફેરફાર થયા બાદ હવે એક્સપોર્ટ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તે ઓન પ્રોસેસ છે. આગામી ટૂંક સમયમાં કંપનીઓનું રજિસ્ટ્રેશન થઈ જશે. આ ઉપરાંત યુએસમાં પણ ચાઇનાના માલ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાગી છે. જેથી ભારત માટે વિપુલ તકનું નિર્માણ થયું છે. આગામી દિવસોમાં ત્યાં 10 થી 15 ટકા જેટલું એક્સપોર્ટ થવા લાગશે એટલે સિરામિક ઉદ્યોગોને ઘણો ફાયદો થશે.

ઉદ્યોગકારોની સરકાર તરફથી શુ અપેક્ષા ?

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાના જણાવ્યા મુજબ હાલ સિરામિક ઉદ્યોગ કપરા સમયમાં છે.ત્યારે ઉદ્યોગકારો સરકાર તરફથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે. સરકારે બાંધકામ ક્ષેત્રે તેજી આવે તેવા જરૂરી પગલાં તાત્કાલિક ભરવા જોઈએ. જેથી સિરામિક સહિતના અંદાજે 150 જેટલા ઉદ્યોગો મંદિમાથી બહાર આવીને આગળ ધપી શકશે. ઇ ફોર્મના પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. આ ઉપરાંત એનજીટીએ ભૂતકાળમાં કોલગેસીફાયરનો વપરાશ કર્યો હોય તેવા સિરામિક એકમોને માતબર રકમનો દંડ ફટકાર્યો છે. જેના કારણે સિરામિક ઉદ્યોગકારો માનસિક તણાવમાં છે. જેથી આ મામલે સરકારે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફટકો : દૈનિક 2 હજાર ટ્રકનું લોડિંગ ઘટ્યું

મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત ખરાબ થઈ જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફટકો પડયો છે. કારણકે અગાઉ દૈનિક સરેરાશ 6500 જેટલા ટ્રકોનું લોડિંગ થતું હતું. પરંતુ હાલ અનેક સિરામિક એકમો બંધ થઈ જવાથી 5 હજાર જેટલા ટ્રકોનું જ લોડિંગ થાય છે. આમ અચાનક 2 હજાર ટ્રક ઓછા થઈ ગયા છે.


 

- text