વાંકાનેરમાં એસટી બસનો ડ્રાઈવર ચાલુ ફરજે પીધેલી હાલતમાં ઝડપાયો

વાંકાનેર : ગુજરાત એસ.ટી. ની સલામત સવારી પર આજે અનેક પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયા છે જેમાં હજુ ચાર દિવસ પૂર્વે જ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે બે એસ.ટી. બસો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક ડ્રાઈવરનો ભોગ લેવાયો તથા 25 જેટલા પેસેન્જરો સામાન્યથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના બનાવની શાહી સુકાણી નથી ત્યાં આજે એસ.ટી. માટે એક કલંકિત બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર ડેપોની બસના ડ્રાઇવરને ચાલુ ફરજે નશો કરવાની શંકાએ મુસાફરો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવ્યો હતો.

વાંકાનેર ડેપોની બસ રાજકોટ થી 5:15 વાગ્યે ઉપડેલ જેના નંબર GJ 18 Z 3213 નો ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની પેસેન્જરોને શંકા જતાં મુસાફરોએ એસ.ટી બસને દાણાપીઠ ચોક ખાતેથી જ ડ્રાઇવર પ્રતિપાલસિંહ હરપાલસિંહ રાણા સાથે વાંકાનેર શહેર પોલીસ મથકે લઇ જવામાં આવી હતી.

આ એસ.ટી. બસ રાજકોટથી ઉપડ્યા બાદ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોને ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની શંકા જતા અને બસ કુવાડવા નજીક પહોંચતા બે વખત ડિવાઈડર પર ચડી ગઇ હતી અને કુવાડવા ખાતે મોટા ખાડાઓ જોયાં વગર જ ઠેકાડતા બીકના માર્યા અમુક પેસેન્જરો કુવાડવા સ્ટોપે જ ઉતરી ગયા હતા બીજા પેસેન્જરોએ બસના ડ્રાઇવર પ્રતિપાલસિંહ હરપાલસિંહ તપાસ અર્થે વાંકાનેર શહેર પોલીસ મથકે લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં બસ ચાલક વિરૂધ્ધ એમ.વી. એકટ 185 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.