મોરબી એસપી સહિત જિલ્લા પોલીસ પરિવાર શરદોત્સવમાં મનભરીને રાસ ગરબે ઘૂમ્યા

લોક સાહિત્યકાર હકાભા ગઢવી સહિતના કલાકારોએ ભારે રંગત જમાવી

મોરબી : લોકની સુરક્ષા અને સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રથમ પ્રાધાન્ય આપતા સમગ્ર પોલીસ પરિવાર સાથે શરદપુનમે રાશોત્સવનો આનંદ માણી શકે તે માટે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શરદ પૂનમની પૂર્વ રાત્રીએ સામાકાંઠે તાલુકા પોલીસ લાઈનની ગરબીમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસપી સહિત સમગ્ર જિલ્લા પોલીસ પરિવાર સાથે મળીને રાસ રગબે ઘૂમ્યા હતા. જયારે લોક સાહિત્યકાર હકાભા ગઢવી સહિતના કલાકારોએ ભારે રંગત જમાવી હતી.

મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી મહોત્સવમાં મોરબીના સામાકાંઠે આવેલ તાલુકા પોલીસ લાઈન ખાતે પ્રાચીન ગરીબીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રીના નવે નવ દિવસ આ પોલીસ લાઈનની ગરબીએ ભારે જમાવટ કરી હતી અને સમગ્ર જિલ્લા પોલીસ પરિવારે નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી. ત્યારે પોલીસ સ્ટાફ હમેશા સુરક્ષા બંદોબસ્ત તૈનાત રહેતો હોય પોલીસ પણ પરિવાર સાથે શરદોત્સવ મનાવી શકે તે માટે શરદપુનમની આગલી રાત્રે આ તાલુકા પોલીસ લાઈનની ગરબીમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન જોશી, મામલતદાર તથા સીરામીક ક્ષેત્રેના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, જિલ્લાના ડી વાય એસ પી, પી.આઈ.,પી. એસ.આઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે હાજરી આપીને રાસ ગરબે રમ્યા હતા. જ્યારે આ શરદોત્સવમાં જાણીતા કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોએ હાસ્ય, સુર સંગીતની ભારે જમાવટ કરી હતી.