સંકલ્પ નવરાત્રીમા અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્ય અમૃતિયા સહિતના આગેવાનોએ હાજરી આપી

પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરીયા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, પાસ અગ્રણી મનોજ પનારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સંકલ્પ નવરાત્રીના આયોજનને બિરદાવ્યું
જૈન અગ્રણીઓએ યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીને સાફો પહેરાવીને તેમનું બહુમાન કર્યું

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે નવમા નોરતે અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્ય અમૃતિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર સાથે સંકલ્પમાં હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યોની સરહાના કરી હતી. કાંતિલાલ અમૃતિયા અને તેમના ધર્મપત્નીનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

જ્યારે પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરીયા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, બ્રિજેશભાઈ પટેલ તેમજ મેહુલભાઈ સહિતની ટીમ સંકલ્પ નવરાત્રી મહોત્સવમા ખાસ ઉપસ્થિત રહી હતી. આ ટીમનું ખેસ પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સંકલ્પ નવરાત્રીમાં બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી અપાતી હોય જેનાથી પ્રભાવિત થઈને પાટીદાર નવરાત્રી ટીમ દ્વારા સંકલ્પ નવરાત્રીની ટીમને બિરદાવી હતી.

જ્યારે પાસ અગ્રણી મનોજભાઈ પનારા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મનોજ પનારાએ મોરબી એકતા અને અખંડિતા માટે અલગ અલગ વિચારસણી વાળા લોકોને પણ લોક હિત માટે એક મંચ પર ભેગા કરવાનું સામર્થ્ય યંગ ઇન્ડિયા ગ્રુપ ધરાવતું હોવાનું જણાવ્યું હતું.

જ્યારે જૈન અગ્રણીઓ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરીને ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીનું સાફો પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં તમામ વર્ગની બહેનો કોઈ પણ જાતના ભેદભાવ વગર મન મુકીને માની આરાધનાના પર્વમાં ગરબા રમી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તેમાં આ વર્ષે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથે નિઃશુલ્ક ચણીયાચોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં અનેકવિધ અતિથિઓ પધાર્યા હતા. આજે પણ દશેરાના દિવસ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાવણ દહનના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.