પૈસા આપવાની ના કહેતા પુત્રએ વૃદ્ધ માતા-પિતાને માર માર્યો

- text


માંગુ ત્યારે પૈસા નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતો ઘોર કળિયુગી કપાતર પુત્ર

માળીયા (મી.) : માળીયા શહેરના એક પુત્રે પોતાના વૃદ્ધ માતા-પિતા પાસે મંગેલા રૂપિયાની માંગણી ન સંતોષાતા લાકડી વડે તેમજ ઢીંકા-પાટાનો માર મારી હવે પછી જો માંગુ ત્યારે રૂપિયા નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નિઃસહાય વૃદ્ધ દંપતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

માળીયા શહેરના જેડાવાસમાં રહેતા વૃદ્ધ માતા પિતા પાસે તેના દીકરાએ રૂપિયાની માગણી કરી હતી જોકે દંપતીએ રૂપિયા દેવાની ના પાડતાં દીકરાએ માતા-પિતાને લાકડી વડે માર માર્યો હતો અને કહ્યુ હતુ કે હું જ્યારે રૂપિયા માગુ ત્યારે રૂપિયા આપી દેવાના અત્યારે તો ઓછા માર્યા છે પરંતુ રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી ભોગ બનેલા દંપતીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાવેલ છે.

- text

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયાના જેડાવાસમાં રહેતા દિલાવરભાઈ ઈસ્માઈલભાઈ જેડા ઉમર વર્ષ 62નો દીકરો ઇકબાલ દિલાવરભાઇ જેડા કોઇ કામધંધો કરતો નથી. તેણે દિલાવરભાઈ તેમજ તેના પત્ની પાસે રૂપિયાની માંગણી કરી હતી જો કે, દિલાવરભાઈ અને તેમના પત્નીએ ઇકબાલને રૂપિયા દેવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈને ઇકબાલે માતા-પિતાને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ત્યારે દિલાવરભાઈએ પોતાના દિકરા ઇકબાલને ગાળો બોલવાની ના કહેતાં તે એકદમ વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની માતાને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ એવુ કહ્યુ હતુ કે, હું જ્યારે રૂપિયા માગુ ત્યારે રૂપિયા આપી દેવાના. અત્યારે તો ઓછા માર્યા છે પરંતુ રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ જેથી દિલાવરભાઈએ તેના દીકરા વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. બનાવની નોંધ લઈ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- text