મોરબી-રાજકોટ ફોરલેન રસ્તાનું કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા કલેકટરની તાકીદ

સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો રોડ, રસ્તા, ગટર, ઓવરબ્રીજ, ટ્રાફિક સહિતના વિવિધ ફરિયાદોનો નિકાલ કરાયો : ગટરની સમસ્યા ઉકેલવા સ્પે.ટીમનું ગઠન કરીને ફ્લોઅપ લેવાની કલેકટરે તાકીદ કરી

મોરબી : જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં રોડ, રસ્તા, ગટર, ઓવરબ્રીજ, ટ્રાફિક સહિતના વિવિધ મુદ્દાઓનો નિકાલ લવાયો હતો. જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગઇ કાલે શુક્રવારે મળેલ જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકમાં મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે પર ચાલી રહેલ રસ્તાનું કામ આગામી 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરાઇ હતી. મોરબી શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તા અને પાણી ભરાવા મુદ્દે પણ નગરપાલિકાના ચીફ ઓફિસરે આગામી સમયમાં રસ્તાના કામો મંજૂર થઇ ગયા હોય ટૂંક સમયમાં જ રસ્તાના કાર્યો શરૂ કરવામાં આવશે તે અંગેની માહિતી પૂરી પાડી હતી. ગટરના પાણીના નિકાલ બાબતે સ્પેશિયલ ટીમનું ગઠન કરી કામનું સતત ફોલોઅપ લેવા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે તાકીદ કરી હતી.

આ બેઠકમાં મોરબીના ઉમિયા સર્કલ અને રવાપર ચોકડી પાસે વધુ ટ્રાફિક પોલીસ મુકવા અને પીક-અપ અર્વસમાં વધુ સુચારુ રૂપે ટ્રાફિક કંટ્રોલ કરવા પણ રજૂઆત કરાઇ હતી. શહેરમાં ભારે વાહનોના પ્રવેશબંધી અંગે જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ સ્થળ પર મુલાકાત લઇ યોગ્ય કરવા ખાતરી આપી હતી. એસ.ટી. બસો મોડી ઉપડતી હોવાની ફરિયાદના અનુસંધાને વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવા અંગે એસ.ટી. વિભાગને પણ તાકીદ કરાઇ હતી. મોરબી જિલ્લાના હળવદ ખાતે ચાલી રહેલા રીવરફ્રન્ટના કામોમાં ક્વોલીટી જળવાઇ રહે તે અંગે હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયાએ રજૂઆતો કરી હતી. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીએ કર્યું હતું.

આ બેઠકમાં સુરેન્દ્રનગર સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ટંકારા-પડધરી ધારાસભ્ય લલિત કગથરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, નાયબ વન સંરક્ષક એમ.એમ. ભાલોડી, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, વાકાંનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, ટંકારા પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, હળવદ પ્રાંત અધિકારી એચ.જી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, જિલ્લા રજીસ્ટ્રાર એસ.જી. રૈયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, મોરબી પાલિકા ચીફ ઓફિસર એસ. આર. રાડિયા, વાકાંનેર પાલિકા ચીફ ઓફિસર જી. આર. સરૈયા, ઉપરાંત શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, રોજગાર, સમાજ કલ્યાણ, જિલ્લા ઉદ્યોગ, જિલ્લાના તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, એસ.ટી. વિભાગ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.