હળવદ પાલિકાનો કર્મચારી અને તેનો મીત્ર દારૂની હોમ ડિલિવરી કરતાં ઝડપાયા

- text


 મોરબી જિલ્લા એલસીબીએ ૧૩ બોટલ દારૂ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા

હળવદ: હળવદ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી અને તેના મીત્રને મોરબી જિલ્લા એલસીબી ટીમે દારૂની ડિલિવરી આપવા જતી વેળાએ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૧૩ બોટલ દારૂ મળી કુલ રૂપિયા ૩૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રિના મોરબી જિલ્લા એલ.સી.બી ટીમના યોગેશદાન ગઢવી,જી.કે કાણોતરા સહિતનાઓ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં હળવદ પાલિકાનો એમ્બ્યુલન્સ ચાલક ભરતભાઈ ઉર્ફે રાજુભાઈ રમણીકભાઈ જોશી રહે હળવદ અને તેનો મિત્ર નીતિનભાઈ વિનોદભાઈ ગોસાઈ રહે હળવદ વિદેશી દારૂ સાથે મળી આવતા પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી નિતીન ગોસાઈના ઘરેથી ૧૩ દારૂની બોટલ મળી આવી હતી. જેથી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો

જ્યારે એલ.સી.બી ટીમ દ્વારા તે પણ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીઓ દ્વારા આ વિદેશી દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને કોને આપવામાં આવતી તેમ સહિતની તપાસ હાથ ધરાઇ છે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ભરત ઉર્ફે રાજુ હળવદ નગરપાલિકામાં એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવતો હોય જેથી આ અંગે પાલિકા ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે દારૂમાં ઝડપાયેલ આરોપી રોજમદાર તરીકે ફરજ બજાવતો હોય જેથી તેને એમ્બ્યુલન્સના ડ્રાઇવર થી છુટો કરી દેવામાં આવશે.

- text