યુવાનની દિલેરી : રસ્તામાં મળેલું રૂ 1.21 લાખની રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

- text


મોરબી : માનવતા અને પ્રામાણિકતા હજુ મરી પરવારી નથી, તેની સાબિતી આપતી એક ઘટનામાં મોરબીમાં સામે આવી છે. જેમાં ગિડચ ગામે રહેતા યુવાનને નીચી માંડલ ગામ પાસેથી રૂ.1.21 લાખની રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી હતું. બાદમાં યુવાને પળવરનો વિલંબ કર્યા વગર મૂળ માલિકને શોધી કાઢી. આ અંગે યોગ્ય ખરાઈ કરીને તેમને પાકીટ પરત કરીને પોતાની ઉમદા દિલેરીના દર્શન કરાવ્યા હતા.

- text

મોરબીના ગિડચ ગામના રહેતા આહિર વિક્રમભાઈ હમીરભાઈ મિયાત્રા ગત તા.18 સપ્ટેમ્બરના રોજ મોરબી-હળવદ હાઇવે પરના નીચી માંડલ ગામે પ્રયાગ શૈક્ષણિક સ્કૂલે જઈ રહ્યા હતા. ત્યારે ગામની બહારના રસ્તેથી પાકીટ મળી આવ્યું હતું જેમાં રૂ. 1.21 લાખ રોકડ અને જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ હતા. વિક્રમભાઈ આહિરે કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર પાકિટમાં રહેલા પાન કાર્ડ/આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટને આધારે ખરાઈ કરી નીચી માંડલ ગામના જ ખેડૂત પટેલ મનસુખભાઇ ગોરધનભાઈ દેત્રોજા મો. 9724875770નો સંપર્ક કરી તમામ રકમ સાથે પરત આપી ઉદારતાની ભાવનાનો અદ્ભૂત દાખલો આપ્યો હતો.

આ ઉપરાંત રકમના માલીક મનસુખભાઈએ જણાવ્યું કે પાકીટ પાછું મળશે એવી આશા ન હતી કારણ કે, આવડી મોટી રકમ સાથે પાકીટ પડી ગયું હોવાથી જેને મળ્યું હશે તેનું મન ડગી જાય એ વાત સ્વાભાવિક છે. વિક્રમભાઈ એટલા નખશીખ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે કે, મેં તેમને ઇનામની વાત કરી, ત્યારે વિક્રમભાઈએ કહ્યું કે, ઉલટાની હું તમને ચા-પાણી પીવડાવવાનો છું. આવી તેમણે ઉદાર ભાવના દર્શાવીને સમગ્ર સમાજને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

- text