મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા સામે લાંચની માંગણીનો નોંધાતો ગુનો

દોઢ વર્ષ પૂર્વે થયેલી ફરિયાદ બાદ તપાસમાં રૂ. 3 લાખની લાંચ માંગી હોવાનું ખુલતા તોળાતી ધરપકડ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન અને હાલના પ્રમુખે રૂ.3 લાખની લાંચ માગ્યાનો ગુનો એસીબીમાં નોંધાતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.દોઢ વર્ષ અગાઉ તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હતા.તે સમયે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ જમીનને બિનખેતી કરવા માટે તેમણે એક અરજદાર પાસે રૂ.3 લાખની લાંચ માંગી હતી.જે તે સમયે અરજદારે ફરિયાદ કરતા એસીબીની દોઢ વર્ષની તપાસના અંતે લાંચ માગ્યાનો ગુનો સાબિત થતા અંતે તેમની સામે આજે એસીબીએ રૂ.3 લાખની લાંચ મંગયાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અગાઉની ટર્મમાં કારોબારી ચેરમેનના પ્રમુખ તરીકે પોતાની જવાબદારીનું વહન કરી રહ્યા હતાં. તે દરમિયાન વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સર્વે નં.૪૦ ની ખેતીની કુલ ૨૯૫૪૨ ચો.મી.પૈકી ૧૯૫૨૬ ચો.મી. જમીન પથ્થરો કાઢવા માટે બિનખેતી કરાવવા સારૂ જીલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે અરજી પ્રકરણમા મુકાઈ હતી. આ ખેતીની જમીન બિનખેતી કરી આપવાની અવેજ પેટે ૧ ચો.મી.ના રૂા.૧૫/- લેખે (પંદર લેખે) રૂા.૨,૯૨,૮૯૦/- નો હિસાબ ગણી લમસમ રૂા.૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ની રકમની લાંચની માંગણી ફોન ઉપર ૦૬/૦૪/૨૦૧૭ ના રોજ કરવામાં આવી હોવાની એસીબીમા એક અરજદારે આધાર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ અંદાજે દોઢેક વર્ષ પૂર્વે નોંધાઇ હતી. જેની ફરિયાદ મોરબી એસીબીના ઈન્સ્પેકટર એમ.બી.જાની દ્વારા ચલાવવામાં આવી હતી. આ ફરિયાદ બાદ હાલ જિલ્લા પંચાયત પ્રમુખ અને તે સમયના કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ લાંચની માંગણી કરી હોવાનું ખુલતા તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેંઓની ધરપકડ તોળાઈ રહી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.