અડધી રાત્રે લોહીની જરૂરિયાત પૂર્ણ કરી અમૂલ્ય જીવન બચાવતું યુવા આર્મી ગ્રુપ

- text


મોરબી : ‘રક્તદાન એ મહાદાન’ એ સૂત્રને અપનાવતા લોકો બ્લડ ડોનેશન કેમ્પ અથવા બ્લડ બેંકમાં રક્તદાન કરતા હોય છે. જયારે કોઈ સમયે રક્તની તાત્કાલિક આવશ્યતા પડે તે જ સમયે શરીરમાં રક્તની ખરી કિંમત સમજાય છે. દરેક વ્યક્તિનું બ્લડ ગ્રુપ અલગ-અલગ હોય છે. તેમજ વ્યક્તિને ચોક્કસ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરિયાત સમયે તેને અનુરૂપ ચોક્કસ પ્રકારના બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિના બ્લડની આવશ્યકતા રહે છે. ત્યારે જો સહેલાઈથી જરૂરી બ્લડ ગ્રૂપવાળું બ્લડ ના મળે તો કોઈવાર જીવનું જોખમ સર્જાતું હોય છે. મોરબીમાં કઈંક આવો જ કિસ્સો સામે આવ્યો છે.ગઈકાલે મોરબીના રહેવાસી ભરતભાઈ છબીલભાઈ મહેતાના વૃદ્ધ માતા કાન્તાબેન મહેતાની તબિયત લથડતા તેમને ગોકુલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે પ્રાથમિક તાપસ કરતા ખ્યાલ આવ્યો કે શરીરમાં લોહીની કંઈ સર્જાઈ છે. ત્યારે તાત્કાલિક ધોરણે O નેગેટિવ બ્લડ ગ્રુપવાળા લોહીની જરૂર પડી. સામાન્ય રીતે, નેગેટિવ બ્લડ ગ્રૂપવાળું લોહી આસાનીથી મળવું મુશ્કેલ હોય છે. ત્યારે અડધી રાત્રે O નેગેટિવ બ્લડ ગ્રુપવાળા લોહી મળવું અશક્ય જેવું હતું.
આવા સમયે ભરતભાઈએ સંસકાર બ્લડ બેંકનો સંપર્ક કર્યો. ત્યાંથી તેઓને યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પિયુષભાઈ બોપલીયાનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું. પિયુષભાઈ બોપલીયાએ યુવા આર્મી ગ્રુપના સભ્યો O નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા વસંતભાઈ ચંદુભાઈ કાલરીયા તથા ઉર્વીબેન કનૈયાલાલ રામાવતનો સંપર્ક કર્યો. બંને સભ્યોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી રક્તનું દાન કર્યું.
જેના બદલ ભરતભાઈ મહેતા તથા તેમના સમગ્ર પરિવારે અડધી રાત્રે રક્તદાન કરી તેમના માતાનું અમૂલ્ય જીવન બચાવનાર યુવા આર્મી ગ્રુપના સભ્યો વસંતભાઈ કાલરીયા તથા ઉર્વીબેન રામાવતનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. તેમજ ‘આંગળી ચીંધવા’નું પુણ્ય કાર્ય કરવા બદલ સંસકાર બ્લડ બેંક તથા યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પિયુષભાઈ બોપલીયાનો પણ આભાર માન્યો હતો. આમ, આ કિસ્સો લોકોને રક્તદાનનું મહત્વ સમજાવી રક્તદાન કરવાની પ્રેરણા આપવા માટે ઉત્તમ દ્રષ્ટાંતરૂપ છે.

- text